

સમીર પટેલ, ભરૂચ

ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફારોના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપના નેતૃત્વમાં મહત્વનો બદલાવ કરવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા સંગઠનાત્મક ફેરબદલ અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પરેશ કાંતિભાઈ લાડની તાત્કાલિક અસરથી નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે વર્તમાન જિલ્લા પ્રમુખ પ્રકાશ નરહરીલાલ મોદીને પ્રદેશ કક્ષાએ બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભાજપ પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડૉ. પ્રશાંત કોરાટ દ્વારા જારી કરાયેલા સત્તાવાર પત્ર મુજબ ભરૂચ દક્ષિણ ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.બીજી તરફ, પ્રદેશ મોવડી મંડળ સાથે વિચાર-વિમર્શ બાદ પ્રદેશ બક્ષીપંચ મોરચાની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રકાશ મોદીને સંગઠનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ જેવું મહત્વનું પદ સોંપીને તેમની રાજકીય અનુભવી સેવાઓનો લાભ સમગ્ર રાજ્ય સ્તરે લેવાનો સ્પષ્ટ સંકેત પક્ષ દ્વારા આપવામાં આવ્યો છે.
રાજકીય વિશ્લેષકોના મતે, આગામી ચૂંટણીઓ અને સંગઠનની આંતરિક સમીક્ષા બાદ પક્ષમાં નવી ઊર્જા અને સંતુલન જાળવવા માટે આ વ્યૂહાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. પરેશ લાડની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂંક થતાં સ્થાનિક કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે પ્રકાશ મોદીને પ્રદેશ કક્ષાએ મોટું પદ આપીને સંગઠન દ્વારા તેમનું કદ જાળવી રખાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પરેશ લાડની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થયા બાદ તેઓએ પહેલા અયોધ્યાનગરમાં આવેલા સંતોષી માતાના મંદિર ખાતે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને પ્રદેશ મોવડી મંડળ દ્વારા તેમને આપેલી જવાબદારીઓ પાર્ટીના આહવાન અને પાર્ટીના દરેકના આગેવાનો અને કાર્યકરોને સાથે લઈને કામગીરી કરશે તેવો મત આપ્યો હતો.તેમના સમર્થકોએ ફટાકડા ફોડી ફૂલહાર અને સાથે પરેશ લાડને શુભેરછાઓ પાઠવી હતી.









