વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટીનાં ભાજપનાં કદાવર નેતાને જિલ્લા સંગઠનમાં પ્રમુખ તરીકેની જવાબદારી મળતા કાર્યકરોમાં ખુશીનો માહોલ..
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા સંગઠનાત્મક જવાબદારીઓ અંતર્ગત ત્રણ જિલ્લાઓ માટે નવા જિલ્લા પ્રમુખોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ડાંગ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ તરીકે સુરેશભાઈ એમ. ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે.ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તાર તથા આહવા તાલુકાના કડમાળ ગામના વતની સુરેશભાઈ એમ. ચૌધરી છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રહી પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટે સતત સક્રિય યોગદાન આપી રહ્યા છે.લાંબા સમયથી પક્ષના સંગઠન તથા કાર્યકર્તાઓ સાથે સંકળાયેલા સુરેશભાઈ ચૌધરીને સંગઠનની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવતા ડાંગ જિલ્લાના ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.સુરેશભાઈ ચૌધરી અગાઉ ડાંગ જિલ્લા પંચાયતની સિંચાઈ તથા ખેતીવાડી સમિતિના અધ્યક્ષ, બાંધકામ સમિતિના અધ્યક્ષ તેમજ આહવા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે.હાલમાં તેઓ વઘઈ ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિના ચેરમેન તરીકે પણ કાર્યરત છે.પક્ષના સંગઠનાત્મક કાર્યમાં લાંબા સમયથી સક્રિય રહેલા સુરેશભાઈ એમ. ચૌધરીને ડાંગ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ તરીકે નવી જવાબદારી મળતા જિલ્લાના ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ ડાંગ પૂર્વપટ્ટીના લોકો દ્વારા તેમને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.નવનિયુક્ત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સુરેશભાઈ ચૌધરીની આગેવાની હેઠળ ડાંગ જિલ્લામાં પક્ષનું સંગઠન વધુ મજબૂત બને, કાર્યકરોને સાથે રાખીને સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વેગ મળે તથા જનસેવાના કાર્યો વધુ અસરકારક રીતે આગળ વધે તેવી શુભેચ્છાઓ આગેવાનો અને કાર્યકરો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.










