MORBI:મોરબી મહાનગરપાલિકા ફાયર શાખા દ્વારા હોસ્પિટલ સ્ટાફને અપાઈ ફાયર પ્રિવેન્શન તાલીમ: નિયમભંગ બદલ ઈમારતોને નોટિસ ફટકારાઈ

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા શહેરમાં આગ અને કટોકટી જેવી પરિસ્થિતિ સામે સજ્જતા કેળવવાના ભાગરૂપે તાજેતરમાં વિવિધ સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. ૧૬ સપ્ટેમ્બરથી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન શહેરની એક હોસ્પિટલના ૨૭ જેટલા સ્ટાફ મેમ્બર્સને ફાયર પ્રિવેન્શન તેમજ આગ નિયંત્રણ સાધનોના ઉપયોગ અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી.

બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી સિસ્ટમનું ચેકિંગ ફાયર સેફ્ટી પ્રિવેન્શન અભિયાનના ભાગરૂપે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વિવિધ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તેમજ ઇન્સ્ટોલ કરેલી ફાયર સિસ્ટમનું સ્થળ તપાસ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ફાયર સેફ્ટીના સાધનો કે નિયમોમાં ક્ષતિ ધરાવતી ઈમારતોને તાત્કાલિક અસરથી નોટિસ પાઠવી નિયમાનુસાર જરૂરી માર્ગદર્શિકા અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, વિભાગને મળેલી ૦૩ ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) અરજીઓ આગળની કાર્યવાહી અર્થે આર.એફ.ઓ. (RFO) કચેરી ખાતે મોકલી આપવામાં આવી છે.
જાન-માલની સુરક્ષા માટે સતર્કતા જરૂરી આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવા, આપાતકાલીન સ્થિતિમાં ફાયર સાધનોનો સાચો ઉપયોગ શીખવવા અને સમયસર ફાયર વિભાગનો સંપર્ક કરી મોટી જાનહાનિ કે દુર્ઘટના અટકાવવાનો છે. ઉલ્લેખનીય છે કે, આ સમયગાળા દરમિયાન મોરબી ફાયર ટીમે ૦૨ ફાયર કોલ અને ૦૨ રેસ્ક્યુ કોલ પર તાત્કાલિક પહોંચીને સફળ બચાવ અને રાહત કામગીરી પાર પાડી હતી

કોઈપણ પ્રકારની આગ કે દુર્ઘટના સમયે મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસનો લેન્ડલાઈન નંબર (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અથવા ટોલ ફ્રી નંબર ૧૦૧ અને ૧૧૨ પર તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયું છે.












