અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળી ત્વરિત અને સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેક્ટરશ્રીની અધિકારીઓને સૂચના

બેઠકમાં રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નો અંગે કલેક્ટરશ્રી દ્વારા સઘન સમીક્ષા હાથ ધરાઈ
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા.૨૪, જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી પી.બી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ અરજદારોના પ્રશ્નો અને રજૂઆતોને અત્યંત ગંભીરતાથી સાંભળ્યા હતા અને નિયમોનુસાર ત્વરિત કાર્યવાહી હાથ ધરીને તમામ પ્રશ્નોનો નિર્ધારિત સમયમર્યાદામાં ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં નાગરિકો તરફથી રજૂ કરવામાં આવેલા અનેક પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો હતો.
આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્નો, રસ્તાના સમારકામ, વરસાદના પાણીના નિકાલ, ગેરકાયદેસર બાંધકામ અને દબાણ દૂર કરવા, મહાનગરપાલિકા તેમજ ગ્રામ પંચાયતના પ્રશ્નો સહિતના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત કલેક્ટરશ્રી દ્વારા વિવિધ લોકપ્રશ્નો અંગે સઘન સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જેમાં રેશનકાર્ડ તથા વ્યાજબી ભાવની દુકાનના પ્રશ્નો, વીજ લાઈનોમાં સેફ્ટીગાર્ડીંગ લગાવવા, પવનચક્કીની વીજલાઇન તથા પોલના પ્રશ્નો, પી.જી.વી.સી.એલ.ના વિવિધ પ્રશ્નો અને ખાનગી કંપની દ્વારા પારા તોડી ઇલેક્ટ્રિક થાંભલાઓ નાખ્યા હોવાની રજૂઆત પર જરૂરી કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. તેમજ વીજળી તથા પીવાના પાણીને લગતા પ્રશ્નો, પીવાના પાણીની સમસ્યાઓ, જાતિ પ્રમાણપત્ર મેળવવા, ગેરકાયદેસર તળાવો બનાવવાથી જમીનમાં ધોવાણ થવા અંગે, રિ-સર્વે પ્રોમોલ્ગેશન બાદ માલૂમ પડતી ક્ષતિઓ સુધારવા, જર્જરીત ઈમારતો અને મકાનો તોડી પાડવા, ગોચર તથા સરકારી ખરાબામાં દબાણ દૂર કરવા બાબતના પ્રશ્નો આવરી લેવાયા હતા. વધુમાં, ખેતરના રસ્તામાં પાણી ભરાવાના કારણે રસ્તો બંધ થવા, વાડીના રસ્તામાં જાળી-જાખરા, બાવળનું કટીંગ અને દબાણ દૂર કરી આપવા, જાહેર રોડ-રસ્તા પરના દબાણો દૂર કરવા, રસ્તાનું સમારકામ, ગેરકાયદેસર રેતી ચોરી અટકાવવા, ઉંડ-૨ ડેમ ખાતે પ્રોટેક્શન વોલ બનાવવા, કેનાલના વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા કરવા, આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારી આપવા અને મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ હુકમની નોંધ પાડવા જેવા તમામ પ્રશ્નો અંગે ગંભીરતાથી સમીક્ષા કરી કલેક્ટરશ્રી દ્વારા સંબંધિત વિભાગોને જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિ મોહન સૈની, પ્રાંત અધિકારી શ્રી વિમલ ચૌધરી સહિત સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.












