કોડીનાર પોલીસ સ્ટેશન દ્વારા કસ્તુરબા બાલિકા વિદ્યાલય, અરણેજ ખાતે વિદ્યાર્થિનીઓમાં વ્યક્તિગત સુરક્ષા તથા સાયબર ગુનાઓ અંગે જાગૃતિ લાવવાના હેતુથી નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓને સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ વચ્ચેનો તફાવત, વ્યક્તિગત સુરક્ષા, અયોગ્ય સ્પર્શથી બચવાના ઉપાયો તેમજ કોઈ અણગમતી ઘટના બને ત્યારે મૌન ન રહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આવી કોઈ ઘટના બને તો વિશ્વાસુ વાલી, શિક્ષક અથવા પોલીસને તાત્કાલિક જાણ કરવા સમજાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત સાયબર ગુનાઓ, ઓનલાઈન છેતરપિંડી, ખોટી કડીઓ, એક વખત ઉપયોગમાં લેવાતા ગુપ્ત સંકેત, નાણાંકીય વ્યવહારોમાં થતી છેતરપિંડી, બનાવટી સામાજિક માધ્યમ ખાતાં અને ઓનલાઈન હેરાનગતિથી બચવા માટેની સાવચેતી અંગે માહિતી આપવામાં આવી હતી.

સાયબર છેતરપિંડીનો ભોગ બનવાના કિસ્સામાં સાયબર ગુના હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર તાત્કાલિક સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. સાથે જ બેંક ખાતાની ગુપ્ત માહિતી, ઓળખ સંબંધી માહિતી, ગુપ્ત સંકેત, નાણાંકીય વ્યવહારનો ગુપ્ત ક્રમાંક વગેરે કોઈ અજાણી વ્યક્તિ સાથે વહેંચવા નહીં તેવી ખાસ સૂચના આપવામાં આવી હતી.
“સજાગ રહીશું, સુરક્ષિત રહીશું અને કોઈપણ અયોગ્ય ઘટના સામે અવાજ ઉઠાવીશું” તેવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ તકે પોલીસ સ્ટેશન સાયબર ક્રાઇમ વિભાગના વડા ધર્મિષ્ઠાબેન ગોહિલ, આઇટી એક્સપર્ટ વિશાલ વાળા,અનિતા સોસા તેમજ તાલુકા કાનુની સેવા સત્તામંડળના પીએલ વી પ્રકાશ મકવાણા તેમજ વોડર્ન કમ હેડ ટીચર રંજન પરમાર, સહાયક વોર્ડન કંચનબેન વાળા તેમજ બાળાઓ હાજર રહી હતી.











