માંકણી ગામની આંગણવાડી-૨ ખાતે જિલ્લા પ્રભારીમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ‘આંગણ મિલન’ કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુર : ૨૬મી સપ્ટેમ્બર :- ‘સેવા સંકલ્પ અભિયાન’ના માધ્યમથી સમાજના વિશિષ્ટ ઘટક એવા બાળકો, માતાઓ અને ક્ષેત્રીય સેવાકર્મીઓને એક તાંતણે બાંધવાના ભગીરથ ઉદ્દેશ્ય સાથે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના માંકણી ગામની આંગણવાડી-૨ ખાતે ‘આંગણ મિલન’ કાર્યક્રમ મહિલા અને બાળ કલ્યાણ સામાજિક ન્યાય અને અધિકારીતાના રાજ્ય કક્ષાનામંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી શ્રી. ડૉ.મનિષાબેન વકીલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જિલ્લાની પ્રત્યેક આંગણવાડીમાં આ વિશેષ ઉત્સવ યોજાય રહ્યો છે.

 

આ પ્રસંગે પ્રભારીમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “આંગણ મિલન એ સુપોષિત, સ્વસ્થ અને સશક્ત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાનો આત્મીય પ્રયાસ છે. આંગણવાડી કેન્દ્ર એ બાળકના ઘડતરની પ્રથમ પાઠશાળા છે, જ્યાં બાળકોની સાથે તેમની માતાઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરીને સમાજના અંતિમ માનવી સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાનો મક્કમ સંકલ્પ લેવાયો છે. ‘આંગણ મિલન’ ઉત્સવ બાળકોના ઉત્કૃષ્ટ પોષણ અને મહિલા સશક્તિકરણની દિશામાં એક માઇલસ્ટોન સાબિત થશે.”

 

આ પ્રસંગે બાળકોને સુખડી સગર્ભા,ધાત્રી અને કિશોરીઓ ને ટી.એચ.આર વિતરણ કરવામાં આવ્યા હતા. કિશોરી અને માતાઓએ સરકારી યોજનાઓ થકી તેમના જીવનમાં આવેલા સકારાત્મક અને હૃદયસ્પર્શી બદલાવના અનુભવો મુક્તપણે રજૂ કર્યા હતા.

 

આ પ્રસંગે પોષણ, આરોગ્ય, શિક્ષણ, મહિલા કલ્યાણ અને બાળ વિકાસને લગતી વિવિધ કલ્યાણકારી નીતિઓની માહિતી અત્યંત સરળ, લોકભોગ્ય અને બોલચાલની ભાષામાં માતાઓ સુધી પહોંચાડવામાં આવી રહી હતી.

 

આ કાર્યક્રમમાં બાળકોમાં પોષણ અંગે જાગૃતિ લાવવા અર્થે વાર્તા અને સંવાદ શૈલી ધરાવતી રોચક ‘કોમિક બુક’ બાળકોને, કિશોરીઓને માનનીય મુખ્યમંત્રીશ્રીનો પ્રેરણાદાયી પત્ર અને કાર્યકર,તેડાગર અને આશા વર્કર બહેનને સારી કામગીરી માટે પ્રશસ્તિપત્ર પ્રભારીમંત્રીશ્રી મનિષાબેન વકીલના વરદહસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

 

આંગણવાડી પરિસરમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે ચિત્રકામ, રમતો, ગીતો અને નાની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ જેવી વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું .

 

આ પ્રસંગે ધારાસભ્યશ્રી અભેસિંહ તડવી, નિયામકશ્રી ગ્રામ વિકાસ/ જિલ્લા વિકાસ અધિકારીશ્રી. કે. ડી. ભગત, તાલુકા પ્રમુખશ્રી હેમલતાબેન કોળી, વિભાગીય નાયબ નિયામકશ્રી. નેહા કંથારીયા, મહિલા મોરચા પ્રમુખશ્રી. મલકાબેન પટેલ,તાલુકા વિકાસ અધિકારથી નરેન્દ્રભાઈ મોદી, માંકણી સરપંચશ્રી હસમુખભાઈ તડવી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર તોસીફ ખત્રી

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો