19 વર્ષથી નાસતા ફરતા લૂંટ-ધાડના આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડતી આણંદ પેરોલ-ફર્લો સ્ક્વોડ આણંદ


તાહિર મેમણ – આણંદ – 26/09/2026 – આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ-ધાડના ગંભીર ગુનામાં છેલ્લા આશરે 19 વર્ષથી નાસતા ફરતા મધ્યપ્રદેશની ધાર-ઝાબુઆ ગેંગના આરોપીને આણંદ પેરોલ-ફર્લો સ્ક્વોડે સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ વિભાગ તથા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં તથા જિલ્લા બહારના ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન પેરોલ-ફર્લો સ્ક્વોડ, આણંદના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. પરમાર તથા તેમની ટીમે ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી અંગે માહિતી મેળવી હતી.
પોલીસને મળેલી બાતમીના આધારે ટીમે સુરત ખાતે કાર્યવાહી કરી કલીયો જેલલા ઉર્ફે કચરિયો જોતી-ડામોર, મૂળ રહેવાસી મધ્યપ્રદેશ, હાલ સુરત ખાતે રહેતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આરોપી આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ-ધાડના ગંભીર ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ હતો. આરોપી છેલ્લા આશરે 19 વર્ષથી નાસતો ફરતો હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે.
આરોપીને ઝડપી પાડ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કામગીરીમાં પેરોલ-ફર્લો સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. પરમાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ જોડાઈ હતી.










