પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના મોરવા (હ) તાલુકામાંથી ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર મળેલા મદદના કોલ બાદ ગોધરા રેસ્ક્યુ ટીમે સમયસર મધ્યસ્થી કરીને એક પરિવારને તૂટતો બચાવી સુખદ સમાધાન કરાવ્યું છે. પીડિત મહિલાએ હેલ્પલાઇન પર સંપર્ક કરીને અવારનવાર થતા કૌટુંબિક ત્રાસ અંગે આપવિતી જણાવી મદદની ગુહાર લગાવી હતી, જેના પગલે અભયમની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.
પીડિત મહિલાના જણાવ્યા અનુસાર, તેમના પતિ અવારનવાર નશો કરીને ઘરે આવતા હતા અને તેમની સાથે મારપીટ કરી માનસિક તથા શારીરિક ત્રાસ આપતા હતા. આ ઉપરાંત, પતિ ઘરની કોઈ પણ પ્રકારની આર્થિક કે કૌટુંબિક જવાબદારી ઉપાડતા નહોતા. આ પરિસ્થિતિમાં સાસુ પણ પોતાના દીકરાને સુધારવાને બદલે તેનો જ પક્ષ લઈ વહુને માનસિક રીતે હેરાન-પરેશાન કરવામાં સાથ આપતા હતા.
બનાવની ગંભીરતા સમજીને ગોધરા ૧૮૧ અભયમની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે પીડિત મહિલા, તેમના પતિ અને સાસુ – ત્રણેય પક્ષોને સાથે બેસાડીને વિગતવાર કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન ટીમે પતિને નશાના વ્યસનથી પરિવાર પર પડતી ગંભીર અસરો, ઘર પ્રત્યેની જવાબદારીઓ અને કાનૂની પરિણામો વિશે સ્પષ્ટ સમજ આપી હતી. આ સાથે સાસુને પણ પરિવારમાં વહુનું યોગ્ય સ્થાન જાળવવા અને ઘરનું વાતાવરણ સુમેળભર્યું રાખવા બાબતે સમજાવ્યા હતા.
અભયમ ટીમની સઘન સમજાવટ અને યોગ્ય મધ્યસ્થીના પરિણામે પતિ અને સાસુને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. પતિએ ભવિષ્યમાં ક્યારેય નશો ન કરવાની, ઘરની તમામ જવાબદારીઓ યોગ્ય રીતે ઉપાડવાની અને પત્નીને પ્રેમથી રાખવાની ખાતરી આપી હતી. સાસુએ પણ વહુને યોગ્ય માન-સન્માન આપવાની સંમતિ દર્શાવતા સમગ્ર બાબતનો સુખદ અંત આવ્યો હતો.










