તા.૨૬/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
૧૨૧ લોકોએ આરોગ્યલક્ષી તપાસ અને માર્ગદર્શનનો લાભ લીધો : જાતિના દાખલાઓ માટે ૧૫૩ લાભાર્થીઓની નોંધણી થઈ
Rajkot: રાજકોટ તાલુકાના કુવાડવા ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયતના સંયુક્ત આયોજન હેઠળ સેવાસેતુ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જનતાને એક જ છત્ર હેઠળ વિવિધ સરકારી સેવાઓ પૂરી પાડવાના આશયથી યોજાયેલા આ કેમ્પમાં અંદાજે ૨૫૦ સ્થાનિકોએ લાભ લીધો હતો. આ કેમ્પનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન વિવિધ કચેરીઓ દ્વારા નાગરિકોની અરજીઓનો સ્થળ પર જ સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ સેવાસેતુ કાર્યક્રમમાં વૃદ્ધ સહાય યોજના હેઠળ ૦૫ લાભાર્થીઓ અને ગંગાસ્વરૂપા સહાય યોજના હેઠળ ૩૨ મહિલાઓને સ્થળ પર જ સહાય મંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત, રેશનકાર્ડને લગતી કામગીરીમાં ૨૨ નાગરિકો અને તાલુકા પંચાયત સામાન્ય વહીવટ હેઠળ જાતિના દાખલાઓ માટે ૧૫૩ લાભાર્થીઓની નોંધણી થઈ હતી.

વધુમાં, આ કેમ્પમાં આરોગ્યલક્ષી તપાસ અને માર્ગદર્શનનો ૧૨૧ લોકોએ લાભ લીધો હતો, જ્યારે ૨૧ નાગરિકોના ડિજિટલ હેલ્થ આઈ.ડી. કાર્ડ અને ૨૨ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા. આ સાથે જ ૪૪ નાગરિકોએ આધાર કાર્ડમાં સુધારા-વધારા તથા નવી નોંધણીની સેવાઓ મેળવી હતી. ગ્રીન એનર્જી અને કૃષિ ક્રાંતિને પ્રોત્સાહન આપવા પી.જી.વી.સી.એલ. વિભાગ અને ‘સૂર્યઘર’ મિશન અંતર્ગત સોલાર રૂફટોપ યોજના માટે જાગૃતિ ફેલાવીને નાગરિકોનું સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

કુવાડવા ખાતે ‘આંગણ ઉત્સવ’ હેઠળ બાળકોના સર્વાંગી વિકાસ અને આંગણવાડીમાં વાલીઓની સહભાગિતાનો સંદેશ અપાયો
રાજકોટ તાલુકાના કુવાડવા ખાતે ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોમાં મળતી વિવિધ સેવાઓ જેવી કે પૂરક પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને પોષણલક્ષી સુવિધાઓ અંગે વાલીઓમાં જાગૃતિ લાવવાનો અને બાળકોના સર્વાંગી વિકાસમાં તેમની ભાગીદારી વધારવાનો હતો. મહાનુભાવોએ આંગણવાડીને બાળ વિકાસનું અગત્યનું કેન્દ્ર ગણાવી, બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે વાલીઓ તથા આંગણવાડી કાર્યકરોની સંયુક્ત જવાબદારી પર ભાર મૂક્યો હતો. બાળકોએ પણ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉત્સવના માધ્યમથી ‘આપણી આંગણવાડી, આપણી જવાબદારી’નો સંદેશ સમાજમાં પહોંચાડવામાં આવ્યો હતો.











