તા.27/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


દસાડાથી બેચરાજી સુધીના માર્ગને ટૂ-લેનમાંથી ફોર-લેનમાં રૂપાંતરિત કરાશે: મુસાફરીનો સમય ઘટશે અને વાહનવ્યવહાર વધુ સુગમ બનશે

દસાડાથી બેચરાજી સુધીના માર્ગને ટૂ-લેનમાંથી ફોર-લેનમાં રૂપાંતરિત કરાશે: મુસાફરીનો સમય ઘટશે અને વાહનવ્યવહાર વધુ સુગમ બનશે, પાટડી: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં માર્ગ કનેક્ટિવિટી મજબૂત કરવાની નીતિ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગવાણા ગામે આજે એક મહત્વપૂર્ણ વિકાસકાર્યનો પ્રારંભ થયો હતો. જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ‘પ્રવાસીપથ યોજના’ હેઠળ દૂધરેજ- વણા- માલવણ- પાટડી- દસાડા- બેચરાજી રોડના કિ.મી. ૭૭/૦૦ થી ૧૦૩/૦૦ સુધીના હયાત ૧૦ મીટર માર્ગને ચારમાર્ગીય બનાવવાના રૂ. ૧૪૫ કરોડના કામનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામજનો અને આગેવાનોને સંબોધતા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રસ્તાઓને ફોરલેન બનાવી વાહનવ્યવહાર ઝડપી અને સુગમ બનાવવાના કામોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. દૂધરેજથી બેચરાજી સુધીનો આ સમગ્ર ફોરલેન માર્ગ ત્રણ ફેઝમાં તૈયાર થઈ રહ્યો છે, જે પૈકી દસાડાથી બેચરાજી સુધીનો માર્ગ રૂ. ૧૪૫ કરોડના ખર્ચે ટૂ-લેનમાંથી ફોરલેન બનશે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ આધુનિક ફોરલેન રસ્તો સૌરાષ્ટ્રને મહેસાણા તેમજ સુપ્રસિદ્ધ યાત્રાધામ શંખેશ્વર જૈન મંદિર અને અંબાજી- બેચરાજી સાથે જોડશે. આ ઉપરાંત, રાજસ્થાનથી મોરબી સિરામિક ઉદ્યોગ માટે આવતા કાચા માલની હેરફેર ઝડપી બનતાં ઔદ્યોગિક પ્રગતિને વેગ મળશે. આ રોડ નિર્માણથી સમગ્ર વિસ્તારમાં નવા ઉદ્યોગો- ફેક્ટરીઓ સ્થપાશે, સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે અને આસપાસની જમીનોના મૂલ્યમાં પણ વધારો થશે. તેમણે ગામડાઓમાં ૨૪ કલાક વીજળી, સીસી રોડ અને શિક્ષણ- આરોગ્યની સુવિધાઓથી ગ્રામીણ જીવનધોરણમાં આવેલા સુધારાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કાર્યક્રમમાં દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું હતું કે, રાત્રિ દરમિયાન ભારે વાહનોની સતત અવરજવરને કારણે થતા અકસ્માતો અટકાવવા અને મુસાફરોની સુરક્ષા માટે આ માર્ગને ફોરલેન બનાવવો અત્યંત જરૂરી હતો. તેમણે પાટડી વિધાનસભા ક્ષેત્રમાં શિક્ષણ, આરોગ્ય અને રસ્તાના ક્ષેત્રે થયેલાં વિકાસકાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડીયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અજયસિંહ રાણા, આરોગ્ય સમિતિ ચેરમેન નટુજી ઠાકોર, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન નાનજીભાઈ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ નબુબેન ચાવડા, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન વર્ષાબેન પરમાર, અગ્રણી સર્વે દિલીપભાઈ પટેલ, ખેંગારભાઈ ડોડીયા, સુખદેવભાઈ ઠાકોર, પ્રાંત અધિકારી મિલન રાવ, નાયબ પોલીસ અધિક્ષક નિકુંજ પટેલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ડી.આર.પટેલ તથા નાયબ કાર્યપાલક ઇજનેર કલ્પેશભાઈ ચૌહાણ સહિત સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









