અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
વડાપ્રધાન મોદીના 25 વર્ષના જનસેવા અને રાષ્ટ્રસેવાના અવસરે વાત્રક ખાતે મુક્ત મેડિકલ કેમ્પ
મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન | સાંસદ શોભનાબેન બારૈયા સહિત અધિકારીઓની ઉપસ્થિતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા અને રાષ્ટ્રસેવાના અવિરત 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાત્રક ખાતે આવેલા શ્રીમાન ફતેસિંહરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલમાં વિશાળ મુક્ત મેડિકલ નિદાન કેમ્પ યોજાયો હતો.

મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, વિવિધ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પમાં વિવિધ તબીબી વિભાગોના નિષ્ણાત તબીબો દ્વારા સામાન્ય આરોગ્ય તપાસ ઉપરાંત બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આંખોની તપાસ, સ્ત્રીરોગ, બાળરોગ સહિતની વિવિધ આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી. જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો કેમ્પનો લાભ લેવા પહોંચ્યા હતા
આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે આવા મેડિકલ કેમ્પ મહત્વપૂર્ણ છે. તેમણે આરોગ્ય કર્મીઓને વધુ સક્રિય બનીને સરકારી આરોગ્ય સેવાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી.પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણી માત્ર કાર્યક્રમો પૂરતી મર્યાદિત ન રહે પરંતુ જનસેવાના કાર્યોને વધુ વેગ આપવાનો સંકલ્પ બને તે જરૂરી છે. અરવલ્લી જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું
ચોઈલા આંગણવાડીની પણ મુલાકાત
મેડિકલ કેમ્પ બાદ પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીએ બાયડ તાલુકાના ચોઈલા ગામે આવેલી આંગણવાડીની પણ મુલાકાત લીધી હતી. મંત્રીએ આંગણવાડીમાં બાળકોની હાજરી, પોષણ આહારની વ્યવસ્થા, શિક્ષણ સામગ્રી તેમજ સ્વચ્છતાની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
આંગણવાડી કાર્યકર્તાઓ સાથે વાતચીત દરમિયાન બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ તેમજ માતા-પિતાની જાગૃતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીએ આંગણવાડી સેવાઓનો લાભ દરેક બાળક સુધી પહોંચે તે માટે કાર્યકર્તાઓને વધુ સક્રિય કામગીરી કરવા પ્રેરણા આપી હતી.વાત્રક ખાતે યોજાયેલા આ મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વ્યવસ્થાઓ સંભાળવામાં આવી હતી.










