સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિજાપુરમાં સ્વચ્છતા અભિયાન સરદાર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક એકત્ર કરવા બદલ પ્રોત્સાહન ઇનામો અપાયા

વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ભાવસોર રોડ પર આવેલી સરદાર પબ્લિક સ્કૂલ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્તિ અંગે જાગૃતિ આવે તે હેતુથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.
અભિયાન દરમિયાન શાળામાં સૌથી વધુ પ્લાસ્ટિક એકત્ર કરી લાવનાર વિદ્યાર્થીઓને વિજાપુર તાલુકા પંચાયત-૦૨ બિલિયા બેઠકના સદસ્ય પટેલ દીપકુમાર ઇન્દ્રભાઈ દ્વારા પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સરદાર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી તથા વિજાપુર નગરપાલિકા વોર્ડ નં. ૧ના કોર્પોરેટર જયમીનભાઈ એસ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી તેમજ શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક કચરો ગમે ત્યાં ન ફેંકી તેનો યોગ્ય રીતે નિકાલ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
શાળાના વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવાય તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્લાસ્ટિકના ઉપયોગ અને કચરાને નિયંત્રિત કરવા માટે આવા અભિયાન સતત યોજવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી હતી. સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ વિજાપુર અને પ્લાસ્ટિકમુક્ત વિજાપુર ના સંકલ્પ સાથે યોજાયેલા આ અભિયાનને શાળા પરિવાર દ્વારા ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો.










