કેશોદ તાલુકાના અજાબ ગામના વતની અને ખેડૂત પરિવારમાં જન્મેલા, નાનપણથી જ પ્રતિભાશાળી યુવા પત્રકાર અનિરૂધસિંહ બાબરીયાનો આજે જન્મદિવસ છે. તા. 29 સપ્ટેમ્બર, 1993ના રોજ અજાબ ગામે જન્મેલા અનિરૂધસિંહ બાબરીયાએ પોતાની મહેનત, સંઘર્ષ, ધગશ અને આગવી કાર્યશૈલીના બળે નાની ઉંમરે પત્રકારત્વ સહિત વિવિધ ક્ષેત્રોમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. અનિરૂધસિંહ બાબરીયાએ ધોરણ 1 થી 7 સુધીનો અભ્યાસ અજાબ કુમાર શાળા ખાતે કર્યો હતો. ત્યારબાદ ધોરણ 8થી 12 સુધી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, અજાબ ખાતે અભ્યાસ પૂર્ણ કર્યો. ઉચ્ચ અભ્યાસ માટે તેમણે માળીયાહાટીના ખાતે ગ્રેજ્યુએશન કર્યું અને ત્યારબાદ કેશોદની એન.પી. કોલેજમાંથી PGDCAનો અભ્યાસ પૂર્ણ કર્યો. અનિરૂધસિંહ બાબરીયાની વાત કરવામાં આવે ત્યારે તેમનું વ્યક્તિત્વ અન્યથી કંઈક અલગ તરી આવે છે. સામાન્ય પરિવારમાંથી આગળ વધીને પોતાની મહેનત અને સંઘર્ષના બળે તેમણે ખૂબ નાની ઉંમરે અનેક ક્ષેત્રોમાં આગવી ઓળખ બનાવી છે. તેમનો સરળ, પ્રેમાળ અને મળતાવડો સ્વભાવ તેમની સૌથી મોટી વિશેષતા છે. દૂધમાં સાકર ભળે તેમ દરેક વ્યક્તિ સાથે હળી-મળી જવાની તેમની આવડતને કારણે તેમણે વિશાળ મિત્રવર્તુળ ઊભું કર્યું છે. પત્રકારત્વને પોતાની કર્મભૂમિ બનાવી અનિરૂધસિંહ બાબરીયા છેલ્લા ઘણા વર્ષોથી કેશોદ શહેર અને તાલુકાના લોકોના પ્રશ્નોને સતત વાચા આપી રહ્યા છે. સામાન્ય નાગરિકથી લઈને છેવાડાના ગામડાના લોકો સુધીના પ્રશ્નોને ઉજાગર કરી તંત્ર અને જવાબદાર તંત્રનું ધ્યાન દોરવામાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી છે. હાલ તેઓ ન્યૂઝ અપડેટ મીડિયા કેશોદના બ્યુરો ચીફ તરીકે પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત છે. પત્રકારત્વની સાથે સાથે ફોટોગ્રાફી, મીડિયા અને ધંધા-રોજગાર ક્ષેત્રે પણ તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેમના જીવનની સૌથી મોટી મૂડી તેમનો મિત્રો પરિવાર છે. તેમની મિત્રતાને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે, કારણ કે તેમની સાથેની મિત્રતા માત્ર ઓળખ પૂરતી નથી, પરંતુ લાગણી અને વિશ્વાસ સાથે જોડાયેલી છે. વિવિધ ક્ષેત્રના લોકો સાથેના તેમના આત્મીય સંબંધો તેમના વ્યક્તિત્વની આગવી ઓળખ બની ગયા છે. “નામ નહીં, કામ ઓળખ બને” — આ ઉક્તિને સાર્થક કરતા અનિરૂધસિંહ બાબરીયાનું કામ, સંઘર્ષ અને સતત આગળ વધવાની ધગશ જ તેમની સાચી ઓળખ બની ગઈ છે. તેમના જન્મદિવસ નિમિત્તે કુટુંબીજનો, મિત્રમંડળ, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, પત્રકાર મિત્રો તેમજ પોલીસ સ્ટાફ પરિવાર સહિત વિવિધ ક્ષેત્રના શુભેચ્છકો દ્વારા તેમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ઈશ્વર તેમને સ્વસ્થ, સુખી અને દીર્ઘાયુ જીવન આપે તથા તેઓ આગામી સમયમાં પણ પત્રકારત્વ અને સમાજસેવાના ક્ષેત્રે વધુને વધુ પ્રગતિ કરે તેવી સૌ શુભેચ્છકોની શુભકામનાઓ છે.












