રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૯.૯.૨૦૨૬
હાલોલ તાલુકાના વડાતળાવ ગામે બાળકોના પાયાના શિક્ષણ અને સ્વાસ્થ્યને નવો વેગ આપવાના ઉદ્દેશથી સન ફાર્મા કંપનીના CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) વિભાગ દ્વારા એક સુસજ્જ અને આધુનિક આંગણવાડી કેન્દ્રનું નવેસરથી બાંધકામ કરવામાં આવ્યું છે.આ નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના શુભહસ્તે ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે જણાવ્યું હતું કે, “ગ્રામીણ ક્ષેત્રના બાળકોને નાનપણથી જ યોગ્ય વાતાવરણ અને ગુણવત્તાયુક્ત સુવિધાઓ મળે તે ખૂબ જરૂરી છે.સન ફાર્મા CSR ટીમ દ્વારા સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને વડાતળાવ ગામે આ સુંદર આંગણવાડી તૈયાર કરવામાં આવી છે, જે બદલ કંપની અભિનંદનને પાત્ર છે.આ લોકાર્પણ સમારોહમાં સન ફાર્મા કંપનીના CSR હેડ પ્રતીકભાઈ પંડ્યા તથા મયંકભાઈ ભગત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સરકારી તંત્ર અને વહીવટી વિભાગમાંથી તાલુકા વિકાસ અધિકારી (TDO), જિલ્લા પ્રોગ્રામ ઓફિસર (DPO), બાળ વિકાસ યોજના અધિકારી (CDPO), ઘટક અધિકારી, ICDS અધિકારીઓ, ભાજપ તાલુકા પ્રમુખ તેમજ વડાતળાવ ગામના સરપંચ અને સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.આંગણવાડીનું નવું ભવન મળતા વડાતળાવ ગામના લોકો અને માતૃશક્તિમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.મોટી સંખ્યામાં હાજર રહેલા ગ્રામજનોએ સન ફાર્મા CSR ટીમ તેમજ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.










