પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા તાલુકાના લીંબોદ્રા ગામે ગત રાત્રિના સમયે વન વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઇટ પેટ્રોલીંગ દરમિયાન બિનવારસી હાલતમાં મૂકેલું લીલા તાજા પંચરાઉ લાકડા ભરેલું નંબર પ્લેટ વગરનું ટ્રેક્ટર અને ટ્રોલી ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી વિગતો અનુસાર, પરીક્ષેત્ર વન અધિકારી શહેરા વી. જી. ગઢવીના માર્ગદર્શન હેઠળ ગુણેલી રાઉન્ડ સ્ટાફ અને શહેરા રેન્જ સ્ટાફ દ્વારા વિસ્તારમાં રાત્રિ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું.આ દરમિયાન રાત્રિના આશરે 2:26 કલાકે લીંબોદ્રા ગામે આરસીસી રોડ પર નંબર પ્લેટ વગરનું એક શંકાસ્પદ ટ્રેક્ટર તથા ટ્રોલી બિનવારસી હાલતમાં ઊભેલું જોવા મળ્યું હતું. વન વિભાગની ટીમે ટ્રેક્ટરની તપાસ કરતા તેમાં ગેરકાયદેસર રીતે ભરેલા લીલા તાજા પંચરાઉ લાકડા મળી આવ્યા હતા.ઘટનાસ્થળે આજુબાજુના વિસ્તારમાં ડ્રાઇવર કે ટ્રેક્ટરના માલિકની શોધખોળ કરવા છતાં કોઈ જ વ્યક્તિ મળી આવી ન હતી. આથી વન વિભાગના સ્ટાફે બિનવારસી હાલતમાં લાકડા સાથે મળી આવેલા ટ્રેક્ટરને અટક કરી, લાકડા તથા ટ્રેક્ટર-ટ્રોલી સહિત અંદાજે રૂ. 2,50,000 નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે શહેરા રેન્જ કચેરીના કંપાઉન્ડ ખાતે શ્રીસરકાર હસ્તક જમા લીધો છે.આ સફળ કામગીરી ગુણેલી રાઉન્ડના ફોરેસ્ટર કે. ડી. ગઢવી, બીટ ગાર્ડ જી. ટી. પરમાર ખાંડિયા, બીટ ગાર્ડ બી. એન. રાવલ શહેરા, બીટ ગાર્ડ વી. એમ. રાઠોડ સજીવાવ તેમજ કાચા રોજમદાર કર્મચારીઓ નવરસિંહ છત્રસિંહ અને નટવરસિંહ પર્વતસિંહ બોડીદ્રા દ્વારા કરવામાં આવી હતી. હાલ વન વિભાગે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









