ધરમપુરના મોહનગઢ ડુંગર પર પૂજાના હકના મદ્દે મુખ્યમંત્રી અને કલેક્ટરને રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

Screenshot

ધરમપુર તાલુકાના આસુરા ગામની હદમાં આવેલા મોહનગઢ ડુંગર પર માવલી માતાજી, બરામદેવ તથા હનુમાન દાદાના ધાર્મિક સ્થાનકો અંગે આદિવાસી સમાજના પરંપરાગત પૂજાના હકોને લઈને રજૂઆત કરવામાં આવી છે. સામાજિક આગેવાન ડો. નિરવ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા કલેક્ટરને વિસ્તૃત પત્ર પાઠવી કાયદેસર અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માંગ કરી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, મોહનગઢ ડુંગર સાથે સ્થાનિક આદિવાસી સમાજની પેઢીઓ જૂની ધાર્મિક અને સાંસ્કૃતિક આસ્થા જોડાયેલી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોથી અહીં પરંપરાગત પૂજા અને દર્શન માટેના પ્રવેશને લઈને મુશ્કેલી ઊભી થઈ છે. અગાઉ પૂજાની વ્યવસ્થા કરવામાં આવતી હતી, પરંતુ ત્યારબાદ પ્રવેશ અંગે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

આ મુદ્દે સરકાર દ્વારા સંયુક્ત તપાસ સમિતિની રચના કરી જૂના 7/12, 8-A, ગામ નમૂના નં. 6 તેમજ વન વિભાગના સંબંધિત દસ્તાવેજોની તટસ્થ ચકાસણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ ધરમપુર શિડ્યુલ એરિયામાં આવતું હોવાથી લાગુ કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગ્રામસભા બોલાવી આદિવાસી સમાજના પરંપરાગત સાંસ્કૃતિક અને સામુદાયિક અધિકારો અંગે યોગ્ય નિર્ણય કરવા રજૂઆત કરાઈ છે.

રજૂઆતમાં જિલ્લા વહીવટી તંત્રની અધ્યક્ષતામાં ટ્રસ્ટ, ગ્રામજનો અને આદિવાસી સમાજના પ્રતિનિધિઓની સંયુક્ત બેઠક યોજી પૂજા તથા આવાગમન અંગે લેખિત SOP (પ્રોટોકોલ) નક્કી કરવાની પણ માંગ કરવામાં આવી છે. ઉપરાંત બંધારણના ધાર્મિક સ્વતંત્રતા સંબંધિત અધિકારો અને લાગુ કાયદાઓની તટસ્થ કાનૂની ચકાસણી કરવા જણાવાયું છે.

દરમિયાન આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સ્થાનિક શ્રદ્ધાળુઓને દેવદર્શન અને પરંપરાગત પૂજા માટે યોગ્ય છૂટ આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. ડો. નિરવ પટેલે જણાવ્યું કે, શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટના ગુરુજી રાજચંદ્રજીના કરુણા, પ્રેમ, લાગણી અને પરસ્પર સંભાવનાના સિદ્ધાંતોને ધ્યાને લઈ તમામ પક્ષો વચ્ચે સંવાદથી ઉકેલ લાવવો જોઈએ.

ડો. નિરવ પટેલે વધુમાં સ્પષ્ટ કર્યું કે રજૂઆતનો હેતુ કોઈ સંસ્થા સામે વિવાદ ઊભો કરવાનો નથી, પરંતુ **“પરંપરાનું સંરક્ષણ – કાયદાનું પાલન – સૌનું સન્માન – શાંતિપૂર્ણ ઉકેલ”**ના સિદ્ધાંત સાથે આદિવાસી સમાજની આસ્થાનું કાયદેસર રક્ષણ કરવાનો છે.

આ મામલે મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્થાનિક વહીવટી તંત્રને સમયબદ્ધ સૂચનાઓ આપી તટસ્થ તપાસ કરાવવામાં આવે અને આગામી તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓને માન આપી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો