ડાંગ જિલ્લામાં જીવદયા પ્રેમીઓની રજૂઆત ફળી : આહવામાં રખડતા ઢોરોની હરાજી અટકી,પાંજરાપોળમાં મોકલાશે

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

જીવદયા પ્રેમીઓની રજૂઆત બાદ આહવા ગ્રામ પંચાયતનો નિર્ણય,ઢોરોને વિવિધ પાંજરાપોળમાં મોકલાશે.હરાજીની જાહેરાત થતા જ મોટાભાગના માલિકો ઢોર છોડાવી ગયા, બાકીના ઢોર લેવા સુરત-નવસારી-વલસાડથી જીવદયા પ્રેમીઓ પહોંચ્યા..સાપુતારા

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે રખડતા ઢોરોના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા, અકસ્માતના ભય સહિતની મુશ્કેલીઓ વચ્ચે આહવા ગ્રામ પંચાયતનાં સરપંચ હરિરામભાઈ સાંવતની સૂચના અનુસાર પકડવામાં આવેલા ઢોરોના કાયમી નિકાલની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.રખડતા ઢોરોની હરાજી કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ જીવદયા પ્રેમીઓ દ્વારા આ અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે હરાજી મોકૂફ રાખી બાકી રહેલા ઢોરોને વિવિધ પાંજરાપોળમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.આહવા ગ્રામ પંચાયત વિસ્તારમાં રખડતા ઢોરોના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો સામે આવતી રહી છે.ખાસ કરીને મુખ્ય માર્ગો તેમજ બજાર વિસ્તારમાં ઢોરોના ટોળાં અડીંગો જમાવતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થાને પણ અસર થતી હોવાનું જાણવા મળે છે.આ સમસ્યાના નિવારણ માટે આહવા ગ્રામ પંચાયત દ્વારા સમયાંતરે રખડતા ઢોરોને પકડી રાખવામાં આવે છે.આહવા ગ્રામ પંચાયત દ્વારા પકડવામાં આવેલા અંદાજે 350 જેટલા ઢોરોની હરાજી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. હરાજીની જાહેરાત થતા જ મોટાભાગના ઢોર માલિકો પોતાના ઢોરોને ઓળખી તેમને પરત લઈ ગયા હોવાનું જાણવા મળે છે.જોકે, હજુ પણ કેટલાક ઢોર માલિકો પોતાના ઢોર લેવા માટે આગળ આવ્યા ન હોવાનું જણાવાય છે.આ દરમિયાન હરાજી કરવાની કાર્યવાહી અંગે જીવદયા પ્રેમીઓને જાણ થતાં સુરત, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાંથી જીવદયા સાથે સંકળાયેલા લોકો આહવા પહોંચ્યા હતા. જીવદયા પ્રેમીઓ દ્વારા ઢોરોની હરાજી ન કરવા તેમજ તેમને સુરક્ષિત રીતે પાંજરાપોળમાં મોકલવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.જીવદયા પ્રેમીઓની રજૂઆત બાદ પકડાયેલા બાકી ઢોરોની હરાજીની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે. હવે આ ઢોરોને સુરત, નવસારી, વલસાડ સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલી પાંજરાપોળમાં મોકલવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયથી ઢોરોના સંરક્ષણ સાથે રખડતા ઢોરોની સમસ્યાના કાયમી નિકાલનો માર્ગ પણ મોકળો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.આહવાનાં સરપંચ હરિરામભાઈ સાંવતનાં જણાવ્યા મુજબ રખડતા ઢોરોને પકડીને સાચવવા માટે ગ્રામ પંચાયતને દરરોજ હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. ઢોરોના માલિકોને તેમના ઢોરો લઈ જવા માટે અવારનવાર સંદેશાઓ આપવામાં આવ્યા હોવા છતાં કેટલાક માલિકો પોતાના ઢોરોને લેવા માટે આવતા નથી. જેના કારણે પંચાયત માટે ઢોરોને સાચવવા અને તેમના નિભાવનો ખર્ચ વધતો જાય છે.હરાજીની જાહેરાત બાદ મોટાભાગના માલિકો પોતાના ઢોર ઓળખીને પરત લઈ ગયા તે બાબત પણ નોંધપાત્ર બની છે. હવે બાકી રહેલા ઢોરોનો યોગ્ય રીતે નિકાલ થાય અને તેમને પાંજરાપોળમાં આશ્રય મળે તે માટે જીવદયા પ્રેમીઓ આગળ આવ્યા છે.આહવામાં રખડતા ઢોરોની સમસ્યા માત્ર પંચાયત માટે જ નહીં પરંતુ સ્થાનિકો અને વાહનચાલકો માટે પણ મુશ્કેલીરૂપ બની રહી છે. એક તરફ જાહેર માર્ગો પર રખડતા ઢોરોને કારણે અકસ્માતનો ભય રહે છે, તો બીજી તરફ ઢોરોને પકડી રાખવા અને સાચવવાનો ખર્ચ પણ પંચાયત પર આવે છે. ત્યારે ઢોર માલિકો પોતાના ઢોરોને રસ્તા પર રખડતા ન મૂકે અને પંચાયત દ્વારા પણ નિયમિત કાર્યવાહી કરવામાં આવે તો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

મોટા બોરસરામાં ‘સ્વચ્છતા’ના દાવા સામે કચરાનું સામ્રાજ્ય! 1980ના ફોટાનો ટ્રેન્ડ અહીં હકીકત બની ગયો? ખુલ્લી ગટર, કચરાના ઢગલા અને ગંદુ પાણી વચ્ચે ગ્રામજનોના આરોગ્ય સાથે રમત — સફાઈના નાણાં અને સરકારી ગ્રાન્ટના હિસાબની તટસ્થ તપાસની માંગ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો