MORBI:મોરબીના રંગપર-જેતપર રોડ પર દુકાનમાંથી ₹૧.૦૪ લાખનો દેશી દારૂ ઝડપાયો: પેરોલ ફર્લો સ્ક્વોડે એક શખ્સને દબોચ્યો, માલ સપ્લાય કરનારની શોધખોળ

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે રંગપર-જેતપર રોડ પર આવેલી એક દુકાનમાં બાતમીના આધારે દરોડો પાડી મોટા પાયે ગેરકાયદે રાખવામાં આવેલો દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી ૨૬૦૦ થેલી દેશી દારૂ સાથે એક આરોપીની અટકાયત કરી છે, જ્યારે માલ પૂરો પાડનાર અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે રંગપર-જેતપર રોડ પર ગેરકાયદેસર રીતે દારૂનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે સ્ટાફે ‘ખોડિયાર ફેબ્રીકેશન એન્ડ ફ્લોરમિલ’ લખેલા બોર્ડવાળી દુકાનમાં રેઇડ કરી હતી. તપાસ દરમિયાન દુકાનમાંથી ૫૨૦ લીટર દેશી દારૂ (કુલ ૨૬૦૦ પ્લાસ્ટિકની થેલીઓ), જેની અંદાજિત કિંમત રૂ. ૧,૦૪,૦૦૦ થાય છે, તે કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી આરોપી રણજીતસિંહ જીલુભા હાડા (રહે. ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર)ને ઝડપી લીધો હતો. તેની સઘન પૂછપરછ કરતાં આ દારૂનો જથ્થો અનવર ઉર્ફે દડી હાજીભાઈ માલાણી (રહે. કાંતિનગર, મોરબી) પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત સામે આવી હતી.
આ મામલે પોલીસે બંને શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, ફરાર અનવર ઉર્ફે દડીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.












