
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

ખેરગામ બજારથી લઈને આંબેડકર સર્કલ ચાર રસ્તા સુધીનો મુખ્ય જોડતો માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ મુખ્ય રસ્તા પર ઠેર-ઠેર મોટા મોટા ખાડાઓ પડી જતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશો માટે પસાર થવું મુશ્કેલ બની ગયું છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ મોટા ખાડાઓને કારણે અનેકવાર નાના-મોટા અકસ્માતો સર્જાયા છે અને કેટલીય ગાડીઓ આ ખાડાઓમાં પટકાઈને ક્ષતિગ્રસ્ત થઈ ચૂકી છે. એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ દરરોજ અહીંથી પસાર થતાં તંત્રના જવાબદાર અધિકારીઓ અને નેતાઓને પોતાના વાહનમાં આ ખાડાઓની આંચકો અનુભવાતો નથી કે શું, તેવો સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. તંત્ર આ સમગ્ર સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરીને જાણે ઘોર નિંદ્રામાં પોઢી ગયું હોય તેવું દ્રશ્ય ઉપસી રહ્યું છે.આ પરિસ્થિતિ વચ્ચે ખેરગામની જનતાની સહનશીલતા પણ બિરદાવવા જેવી છે. આટલા મોટા અને જાનલેવા ખાડાઓ હોવા છતાં, પ્રજા મુકપ્રેક્ષક બનીને બધું સહન કરી રહી છે અને આજ દિન સુધી કોઈ ઉગ્ર વિરોધ કરવા માટે આગળ આવી નથી. પરંતુ તંત્ર લોકોની આ શાંતિ અને સહનશીલતાની વધુ પરીક્ષા ન લે અને કોઈ મોટી જાનહાની થાય તે પહેલાં આ રસ્તાનું તાત્કાલિક રીપેરિંગ કામ હાથ ધરે તેવી લોકમાંગ ઉઠી છે.










