પાલોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય! નેશનલ હાઈવે-48ની ગટર લાઈનો બ્લોક, ગંદા પાણી વચ્ચે ગ્રામજનોના આરોગ્ય સાથે ખીલવાડ

માંગરોળ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામમાં સ્વચ્છતા વ્યવસ્થાની ગંભીર સ્થિતિ સામે આવી છે. ગામના વિવિધ વિસ્તારોમાં કચરો, ગંદકી અને ગટરનું ગંદુ પાણી જોવા મળી રહ્યું છે. નેશનલ હાઈવે-48 નજીક આવેલી ગટર લાઈનોમાં અનેક જગ્યાએ કચરો ભરાઈ જતાં પાણીના વહેણમાં અવરોધ ઊભો થયો હોવાનું સ્થળ પરના દૃશ્યો પરથી જણાય છે.

 

ગટર અને પાણીના વહેણની આસપાસ પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો તથા અન્ય કચરો મોટા પ્રમાણમાં ફેલાયેલો જોવા મળે છે. કેટલાક સ્થળોએ ગંદુ પાણી ખુલ્લામાં ભરાયેલું છે, જેના કારણે દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. આવી પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહે તો જાહેર આરોગ્ય માટે જોખમ ઊભું થઈ શકે છે.

 

સવાલ એ છે કે પાલોદ ગામમાં નિયમિત ગટર સફાઈ અને કચરા નિકાલની વ્યવસ્થા ક્યાં સુધી અસરકારક છે? જો નેશનલ હાઈવે-48 નજીકની ગટર લાઈનોમાં વારંવાર કચરો ભરાઈને પાણીનો પ્રવાહ અટકતો હોય તો તેની નિયમિત સફાઈ અને દેખરેખ કોણ કરે છે? ગ્રામ પંચાયત દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે શું કાર્યવાહી કરવામાં આવી છે?

 

પાલોદ ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને તલાટી-કમ-મંત્રીશ્રીની દેખરેખ અને વહીવટી કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા જાળવવી અને ગટર વ્યવસ્થાની યોગ્ય જાળવણી કરાવવી જરૂરી છે ત્યારે સ્થળ પર જોવા મળતા આ દૃશ્યો કામગીરીની અસરકારકતા અંગે પ્રશ્નાર્થ ઊભો કરે છે.

 

સ્વચ્છતા માત્ર કાગળ પરની કામગીરી કે ફોટોગ્રાફ્સ પૂરતી સીમિત ન રહે, પરંતુ તેનો સીધો લાભ ગ્રામજનોને સ્થળ પર દેખાય તે જરૂરી છે. પાલોદમાં ગંદકી અને ગટર સમસ્યાને લઈને હવે સંબંધિત તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી તાત્કાલિક ગટર સફાઈ, કચરાનો નિકાલ અને નિયમિત મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

 

હવે જોવાનું એ રહ્યું કે પાલોદ ગ્રામ પંચાયત અને સંબંધિત ઉચ્ચ તંત્ર આ ગંભીર સ્વચ્છતા પ્રશ્ને ક્યારે જાગશે અને ગંદકીના આ દૃશ્યોમાંથી ગ્રામજનોને ક્યારે મુક્તિ મળશે?

 

રિપોટર કલ્પેશ ધામેલીયા સુરત

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો