વિજાપુર SDH ખાતે જુવેનાઇલ ડાયાબિટીસના બાળકો માટે ત્રિમાસિક નિદાન-સારવાર કેમ્પ યોજાયો
18 લાભાર્થી બાળકોની આરોગ્ય તપાસ કરી ઇન્સ્યુલીન સહિત જરૂરી સાધનો અને માર્ગદર્શન અપાયું
વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિત બાળકો માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH), વિજાપુર ખાતે ત્રિમાસિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. SDHના સુપ્રિટેન્ડન્ટ ડૉ. ઇન્દ્રેશ પટેલ તથા ડૉ. અમિત પટેલના સહકાર અને સંકલનથી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં કુલ 18 લાભાર્થી બાળકોએ લાભ લીધો હતો.
કેમ્પ દરમિયાન વિજાપુર શહેર ભાજપ પ્રમુખ તથા રોગી કલ્યાણ સમિતિના સભ્ય અગનભાઈ બારોટ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ચેતન પ્રજાપતિ, SDH સુપ્રિટેન્ડન્ટ ડૉ. ઇન્દ્રેશ પટેલ, ડૉ. અમિત પટેલ તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝરે મુલાકાત લઈ કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું અને જરૂરી સૂચનો આપ્યા હતા.
GMERS વડનગરના બાળરોગ નિષ્ણાત ડૉ. પ્રજ્ઞાબેન દ્વારા જુવેનાઇલ ડાયાબિટીસ ધરાવતા બાળકોના જરૂરી લોહીના રિપોર્ટની તપાસ તેમજ આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. બાળકોની જરૂરિયાત મુજબ ઇન્સ્યુલીનનો ડોઝ નક્કી કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ઓપ્થેલમિક આસિસ્ટન્ટ દ્વારા બાળકોની આંખોની પણ તપાસ કરવામાં આવી હતી.
અમદાવાદની ડાયાબિટીસ ફાઉન્ડેશનની ટીમ દ્વારા જુવેનાઇલ ડાયાબિટીસના યોગ્ય મેનેજમેન્ટ અંગે સામૂહિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકો તથા તેમના વાલીઓનું વ્યક્તિગત કાઉન્સેલિંગ કરી નિયમિત લોગ ચાર્ટ નિભાવવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
કેમ્પમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહનરૂપે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. સાથે જ SDH વિજાપુર તરફથી બાળકોને ઇન્સ્યુલીન, ગ્લુકોમીટર, ગ્લુકોમીટર સ્ટ્રીપ્સ, લેન્સેટ તથા સિરીંજ-નીડલ જેવી જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર આયોજનમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના તબીબી તથા લેબોરેટરી સ્ટાફની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. તાલુકા આરોગ્ય કચેરી, વિજાપુરની તમામ RBSK ટીમ દ્વારા લાભાર્થી બાળકોને કેમ્પ સુધી લાવી તેમને નિદાન, સારવાર, તપાસ અને અન્ય જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી











