સાયલાના 3 ગામોના ખેડૂતો PGVCL કચેરીએ ધસી ગયા, આવેદનપત્ર પાઠવી અલ્ટીમેટમ આપ્યું.

તા.29/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ કુદરતનો રૂઠપો અને બીજી તરફ PGVCL તંત્રની બેદરકારીના કારણે મોંઘાભાવના બિયારણ વાવીને ઉછેરેલો પાક હવે સુકાવાના આરે પહોંચી ગયો છે. વરસાદની અછત વચ્ચે ખેડૂતો કુવા કે બોરના પાણી વડે પાક બચાવવા મથી રહ્યા છે, પરંતુ વીજળીના અનિયમિત અને અપૂરતા પુરવઠાના કારણે ખેતી સંપૂર્ણપણે ઠપ થઈ રહી છે. આ ગંભીર સમસ્યાને લઈને સાયલા તાલુકાના સેજકપર, છડીયાળી અને ઓવનગઢ ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીજ ધાંધિયાના કાયમી ઉકેલ માટે સાયલા તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય સુરેશભાઈ દડુભાઈ ખવડની આગેવાનીમાં ગ્રામજનો અને ખેડૂતોના ડેલીગેશને સાયલા તેમજ સુરેન્દ્રનગર ખાતે આવેલી પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ કચેરીએ રૂબરૂ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. અધિકારીઓને રજૂઆત કરતા તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ ખવડ અને ખેડૂતોએ જણાવ્યું હતું કે, સાયલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર વીજળી ગુલ થઈ જાય છે અને પૂરતા વોલ્ટેજ મળતા નથી. જેના કારણે સિંચાઈના પંપ ચાલુ થઈ શકતા નથી અને ઉભો પાક પાણી વિના સુકાઈ રહ્યો છે. ખેડૂતોએ તંત્ર પાસે માંગ કરી છે કે ખેતીવાડી ક્ષેત્રે પૂરતા સમય માટે અને નિયમિત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે. વધુમાં, ખેડૂતો અને લોકપ્રતિનિધિઓએ PGVCLના ઉચ્ચ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું હતું કે, જો વહેલી તકે વીજળીનો આ પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તમામ ગ્રામજનો અને ખેડૂતોને સાથે રાખીને ગાંધીચીંધ્યા માર્ગે PGVCL કચેરી સામે જ ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે. આવેદનપત્ર આપતી વખતે ત્રણેય ગામોના મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો