તારીખ ૩૦/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના સહકારી ક્ષેત્રનું મહત્વનું ગણાતા કાલોલ ખરીદ-વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી પ્રક્રિયા આજે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. આગામી અઢી વર્ષ માટે નવા સુકાનીઓની બિનહરીફ વરણી કરવામાં આવતા સહકારી ક્ષેત્રમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ મામલતદાર કચેરી ખાતે પંચમહાલ જિલ્લા પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર એન.બી.મોદીના અધ્યક્ષસ્થાને ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સંઘના કુલ ૧૧ સભ્યો હાજર રહ્યા હતા. સર્વાનુમતે લેવાયેલા નિર્ણય મુજબ આગામી અઢી વર્ષ માટે નેતૃત્વની પસંદગી કરવામાં આવી હતી.જેમાં પ્રતાપસિંહ રામસિંહ રાઠોડ ની ચેરમેન તરીકે અને જોરાવરસિંહ જશવંતસિંહ રાઠોડ ની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. બંને ઉમેદવારોનાં મેન્ડેટ કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ દ્વારા જાહેર કરવામાં આવ્યાં હતાં જ્યાં આ બિનહરીફ વરણીના સમાચાર મળતા જ કાલોલ ભાજપ સંગઠનમાં ખુશીની લહેર ફેલાઈ હતી. સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ એ સોશ્યલ મીડિયા માધ્યમથી બંને નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. જ્યાં આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, કાલોલ તાલુકા ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર સહિત અનેક સ્થાનિક જનપ્રતિનિધિઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને ફૂલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા અને સંઘની પ્રગતિ માટે શુભેચ્છાઓ આપી હતી.











