MORBI:મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ અત્યાર સુધીમાં 3,826 રખડતા પશુઓ ડબ્બે પુરાયા

મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ જાહેર માર્ગો પર અડચણરૂપ બનતા રખડતા ઢોર સામે તંત્ર દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા અત્યાર સુધીમાં શહેરમાંથી કુલ 3,826 રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે, જ્યારે ચાલુ સપ્તાહે વધુ 29 પશુઓ પકડી કાર્યવાહી હાથ ધરાઈ છે.

પાલિકા દ્વારા વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો પરથી પકડાયેલા ઢોરને મોરબી જિલ્લા તથા આસપાસની ગૌશાળાઓ, નંદીઘર અને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા હસ્તકના નંદીઘરમાંથી 600થી વધુ પશુઓને જુદી-જુદી પાંજરાપોળ તેમજ ગૌશાળા ખાતે ખસેડવામાં આવ્યા છે.
લાઇસન્સ અને ટેગિંગની કામગીરી:પશુ માલિકોને લાયસન્સ: ANCD શાખા દ્વારા અત્યાર સુધીમાં 306 પશુ માલિકોને નવા લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા છે, જ્યારે 34 માલિકોના લાયસન્સ રિન્યૂ કરાયા છે.
ઘાસ વેચાણ પરમિટ: શહેરમાં ઘાસ વેચાણ કરતા 33 વેપારીઓને નવી પરમિટ આપવામાં આવી છે અને 4 વેચાણ પરમિટ રિન્યૂ કરવામાં આવી છે.
પેટડોગ રજીસ્ટ્રેશન: 49 શ્વાનપ્રેમીઓના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે તેમજ 10 ડોગ લાઇસન્સ રિન્યૂ કરાયા છે.
RFID ટેગિંગ: શહેરના કુલ 2,920 પશુઓનું RFID ટેગિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે.
પાલિકા તંત્ર દ્વારા તમામ પશુ માલિકોને પોતાના પશુઓનું તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવવા તેમજ પેટડોગ રાખતા નાગરિકોને પણ પોતાના શ્વાનનું રજીસ્ટ્રેશન કરાવી લેવા અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ જાહેર માર્ગો પરથી રખડતા પશુઓને પકડવાની તેમજ RFID ટેગિંગ કરવાની કામગીરી વધુ સઘન રીતે ચાલુ રાખવામાં આવશે.













