રિપોર્ટર.કાદિર દાઢી.હાલોલ

તા.૩૦.૯.૨૦૨૬
હાલોલ તાલુકાના રાણીપુરા ગામે ભાડાના મકાનમાં રહેતી મૂળ બિહારની ૨૩ વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર લોખંડની પાઇપ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, મૂળ બિહારના કટિહાર જિલ્લાના વતની બિશાલસિંગ વિરેન્દ્રસિંગ સિંગ પંચમહાલના મસવાડ જી.આઈ.ડી.સી. સ્થિત કંપનીમાં પેઇન્ટર તરીકે ખાનગી નોકરી કરે છે અને રાણીપુરા ગામે ખુમાનસિંહ પ્રભાતસિંહ પરમારના મકાનમાં પત્ની પલ્લવી તથા બે વર્ષની પુત્રી આયશા સાથે છેલ્લા પાંચેક મહિનાથી ભાડે રહેતા હતા. ગત તા. ૨૯/૦૯/૨૦૨૬ ના રોજ સવારે ઘરે રસોઈ બનાવવા બાબતે સામાન્ય વાતચીત બાદ બિશાલસિંગ પોતાની દીકરી સાથે નજીકની દુકાને મેગી લેવા ગયા હતા.ત્યારબાદ પરત આવતા ઘરનો દરવાજો અંદરથી બંધ જણાયો હતો. પત્નીએ બૂમો પાડવા છતાં દરવાજો ન ખોલતાં આસપાસના પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા. પતરા પરથી અંદર જઈને જોતાં પલ્લવીબેન લોખંડની પાઇપ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળી આવ્યા હતા.સ્થાનિકોની મદદથી તેમને તાત્કાલિક નીચે ઉતારી સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે મૃતકના પતિ બિશાલસિંગની જાહેરાતના આધારે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે એડી દાખલ કરવામાં આવ્યો છે.











