ગુજરાત રાજ્યના “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા તારીખ ૨૯/૦૯/૨૦૨૬ ના રોજ જૂનાગઢ જિલ્લામાં ‘રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ (NSDF) ૨૦૨૬–૨૭’ ની જિલ્લા કક્ષાની સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ આયોજન જિલ્લામાં આવેલા શ્રી બ્રહ્માનંદજી જિલ્લાલોક વિજ્ઞાન કેન્દ્ર (Community Science Centre – CSC) ના સક્રિય સંકલન અને સહયોગથી સંપન્ન થયું છે. ઉલ્લેખનીય છે કે, નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ (NCSM), ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે GUJCOST દ્વારા દર વર્ષે આ રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સમાજમાં સત્ય, તર્ક અને જ્ઞાન આધારિત વિચારસરણીને પ્રોત્સાહિત કરવા તથા પરંપરાગત વહેમો અને અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થઈ પ્રગતિશીલ વિચારધારા કેળવવાના શુભ આશય સાથે, નાટ્યકળા જેવા જીવંત અને લોકભોગ્ય માધ્યમ દ્વારા વૈજ્ઞાનિક જ્ઞાનનો પ્રચાર કરવાનો આ પ્રયાસ છે. આ વર્ષે મહોત્સવનો મુખ્ય વિષય “વિજ્ઞાન અને સમાજ” નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત વિદ્યાર્થીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI): મિત્ર, ઉપકરણ કે ખતરો?, ઇલેક્ટ્રિક વાહનો (EV): આગળનો માર્ગ, આંતરતારકીય આવાસ (Interstellar Habitats) તેમજ મહાસાગરોની પુનઃસ્થાપના જેવા વિષયો પર પોતાની મૌલિક અને પ્રેરણાદાયી નાટ્ય-કૃતિઓ રજૂ કરી હતી. આ વિજ્ઞાન નાટ્ય મહોત્સવ માં જિલ્લાની શાળાઓના ધોરણ ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.૧૩ શાળાઑ ની ૧૬ ટીમોએ મહત્તમ ૩૦ મિનિટ અને ૮ કલાકારોની મર્યાદામાં પોતાની કળાનું પ્રદર્શન કર્યું. લોક વિજ્ઞાન કેન્દ્ર (CSC) દ્વારા ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારની શાળાઓને સાંકળીને આ મહોત્સવનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતાં ગુજકોસ્ટના ડિરેક્ટર જનરલ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, IAS એ જણાવ્યું હતું કે રાજ્યના માનનીય વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ અને માનનીય સચિવશ્રી પી. ભારતી, IAS ના વડપણ હેઠળ ગુજકોસ્ટ (GUJCOST) અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ વિદ્યાર્થીઓ અને સામાન્ય જનમાનસમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા કટિબદ્ધ છે. આ નાટ્ય મહોત્સવ શ્રેણી દ્વારા સરળ શૈલીમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીને સમજાવવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે. આ કાર્યક્રમમાં શ્રી રણવીરસિંહ પરમાર ઇ. આઈ. Deo,કૂ. જલ્પાબેન ક્યાડા ઇ. આઈ. ,આશિષ મહિડા એ.ઇ. આઈ. સહિત કૂલ ૧૭૫ જેટલા મહાનુભાવો અને શાળા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા બનેલી ટીમ તારીખ ૧૪-૧૫ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ રાજકોટ ખાતે યોજાનાર બે દિવસીય રાજ્ય કક્ષાના ગ્રાન્ડ ફિનાલેમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે, જ્યાંથી રાજ્ય કક્ષાની વિજેતા ટીમ પશ્ચિમ ઝોનલ સ્પર્ધા (નેહરુ સાયન્સ સેન્ટર, મુંબઈ) અને ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા (સાયન્સ સિટી, કોલકાતા) માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. તમામ સહભાગી ટીમોને પ્રમાણપત્ર તેમજ વિજેતાઓને ટ્રોફી અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.આ કર્યાક્રમ માટે પ્રતાપસિંહ ઓરા, શ્રધ્ધાબેન કચોટ,રીનાબેન મકવાણા,જીગરભાઈ રાદડિયા જેહમત ઉઠાવી હતી તેવી અખબારી યાદી માં જણાવેલ છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ











