વઢવાણના અબોલપીર ચોક અને દેપાળાવાડમાં 18 મહિનાથી રોડનું ખોદકામ બાદ પુરાણ ન થતાં ભારે રોષ: વાહનો સ્લીપ થતાં અકસ્માતનો ભય

તા.01/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ પણ સ્થાનિક પ્રજાની પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓ ઉકેલાવાનું નામ લેતી નથી. વઢવાણના અબોલપીર ચોક તેમજ દેપાળાવાડ વિસ્તારમાં છેલ્લા ૧૮ મહિના પહેલા પીવાના પાણીની નવી પાઇપલાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ આ ખોદકામનું યોગ્ય રીતે પુરાણ કરવામાં ન આવતા અને રોડનું સમારકામ કે રીપેરીંગ ન કરાતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ૧૮-૧૮ મહિના વિતી જવા છતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા ખાડા પૂરીને રોડનું નવીનીકરણ કે રીપેરીંગ કરવામાં આવ્યું નથી. યોગ્ય પુરાણના અભાવે રોડ-રસ્તા અત્યંત બિસ્માર બની ગયા છે, જેના કારણે દૈનિક ધોરણે વાહનો સ્લીપ થઈ રહ્યા છે. શાળાએ જતા નાના માસૂમ બાળકો પટકાઈને ઈજાગ્રસ્ત થાય છે, જ્યારે રસ્તે ચાલતા વૃદ્ધો અને રાહદારીઓ ઠોકર ખાઈને નીચે ખાબકે છે. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક રહીશો દ્વારા સુરેન્દ્રનગર મહાનગર પાલિકા કચેરી ખાતે વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિકો જ્યારે પણ તંત્ર પાસે રજૂઆત કરવા જાય છે ત્યારે “આ વિસ્તારમાં પેવર બ્લોક નાખવાના છે” તેવા પોલા આશ્વાસનો અને જવાબો આપીને મામલો રફે-દફે કરી દેવાય છે. પરંતુ આજ દિન સુધી આ વિસ્તારમાં પેવર બ્લોક કે રોડ બનાવવાની કોઈ જ કામગીરી શરૂ કરવામાં આવી નથી. મહાનગર પાલિકામાં ભળ્યા બાદ પણ પ્રજાને સુવિધાના નામે માત્ર હાલાકી જ મળી રહી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. લોકોની માંગ છે કે તંત્ર દ્વારા કોઈ પણ જાતના વિલંબ વિના તાત્કાલિક ધોરણે રોડ- રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવે અથવા તો ખાતરી આપ્યા મુજબ પેવર બ્લોક નાખવાની કામગીરી તુરંત શરૂ કરવામાં આવે, જેથી કરીને કોઈ મોટો પ્રાણઘાતક અકસ્માત સર્જાય તે પહેલા નાગરિકોને રાહત મળી શકે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો