તા.01/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


શ્રમ વિભાગ ‘સરકારી હોસ્પિટલનું સર્ટિફિકેટ’ માંગે છે અને સિવિલ હોસ્પિટલ આપવાની ના પાડે છે: બે વિભાગો વચ્ચેની ખેંચતાણમાં દર્દી પીસાયો, સુરેન્દ્રનગર જિલ્લામાં સિલિકોસીસ જેવા જીવલેણ અને અસાધ્ય રોગથી પીડાતા ગરીબ દર્દીઓ સાથે સરકારી તંત્ર દ્વારા કરવામાં આવતી વહીવટી ટાંગાટોળીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વઢવાણના એક સિલિકોસીસ પીડિત અરજદારે સુરેન્દ્રનગર સ્થિત ‘મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ’ ના તંત્ર સામે તબીબી નિદાન પ્રમાણપત્ર આપવા બાબતે જાણી જોઈને છટકબારી કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. સમગ્ર મામલાની મળતી વિગતો અનુસાર, વઢવાણ ખાતે રહેતા દર્દીના સીટી સ્કેન રિપોર્ટમાં સિલિકોસીસ રોગ હોવાની શક્યતાઓ જણાતા, તેમણે તા. ૧૧/૦૯/૨૦૨૬ અને ત્યારબાદ તા. ૨૫/૦૯/૨૦૨૬ ના રોજ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન પાસે પોતાની બીમારી અંગેનું “તબીબી નિદાન પ્રમાણપત્ર” મેળવવા લેખિત અરજી કરી હતી. જોકે, દર્દીને સારવાર અને પ્રમાણપત્ર આપવાને બદલે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા પત્ર વ્યવહાર કરી પ્રમાણપત્ર આપવાનો સાફ ઇનકાર કરી દેવામાં આવ્યો છે. સિવિલ સર્જન દ્વારા તા. ૧૭/૦૯/૨૦૨૬ અને તા. ૨૯/૦૯/૨૦૨૬ ના રોજ પાઠવેલા પત્રો (નં.જહોસુ સિલીકોસીસ/આર્થિક સહાય યોજના/પ્રમાણપત્ર/૬૭૫૧/૨૦૨૬) માં શ્રમ અને રોજગાર વિભાગના તા. ૦૭/૦૧/૨૦૨૬ ના ઠરાવનો હવાલો આપવામાં આવ્યો છે. હોસ્પિટલે જણાવ્યું છે કે, સિલિકોસીસની આર્થિક સહાય યોજના હેઠળ પ્રમાણપત્ર આપવાની સત્તા ‘સર્ટીફાઈંગ સર્જન, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી’ પાસે છે. સાથે જ જિલ્લા પંચાયત કચેરીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આ બાબતના નોડલ ઓફિસર હોવાથી તેમને રજૂઆત કરવા જણાવી સિવિલ હોસ્પિટલે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે. એક તરફ સિવિલ હોસ્પિટલ દર્દીને ઔદ્યોગિક સલામતી કચેરી તરફ મોકલે છે, તો બીજી તરફ ગુજરાત સરકારના શ્રમ વિભાગના ‘સન્માન પોર્ટલ’ પર રૂ. ૩,૦૦,૦૦૦ ની સિલિકોસીસ પીડિત શ્રમયોગી આર્થિક સહાય માટે ફરજિયાત દસ્તાવેજોમાં સ્પષ્ટપણે “સરકારી ડૉક્ટરનું સિલિકોસીસ રોગ અંગેનું હેલ્થ કાર્ડ/સર્ટિફિકેટ” અને “સરકારી દવાખાનાના કાગળો” માંગવામાં આવે છે. આ ઉપરાંત મદદનીશ શ્રમ આયુક્તની કચેરી પણ તપાસ દરમિયાન સરકારી હોસ્પિટલના નિદાન પ્રમાણપત્રની જ માંગણી કરે છે. ત્યારે બે વિભાગોના વિરોધાભાસી નિયમોના કારણે દર્દી ભારે મુશ્કેલીમાં મુકાયો છે. “અમે હોસ્પિટલ પાસે સહાયના નાણાં કે યોજના મંજૂરીનો આદેશ નથી માગી રહ્યા, પરંતુ માત્ર મારી બીમારીનું ‘તબીબી નિદાન પ્રમાણપત્ર’ માગીએ છીએ, જે મેળવવો દરેક દર્દીનો બંધારણીય અધિકાર છે. શ્રમ વિભાગ કે ઔદ્યોગિક સલામતી કચેરી દર્દીની શારીરિક તપાસ કે નિદાન કરતી નથી. જો સરકારી હોસ્પિટલ જ નિદાન કરીને સર્ટિફિકેટ નહીં આપે, તો અન્ય કચેરીઓ કયા આધારે આગળની કાર્યવાહી કરશે?” સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અરજદારની રજૂઆતને “પાયાવિહોણા આક્ષેપો” ગણાવી મોં ફેરવી લેવાતા દર્દી અને તેમના પરિવારમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ અંગે દર્દીએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તેમજ આરોગ્ય કમિશનરને લેખિતમાં જાણ કરી છે. દર્દીએ એ પણ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકારી યોજનાઓ કે ઠરાવોની આડમાં આવી જ રીતે ગંભીર દર્દીઓને હેરાન કરવામાં આવશે, તો આગામી દિવસોમાં આ મામલે ગાંધીનગર આરોગ્ય કમિશનર કચેરી ખાતે તેમજ ‘ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ’ માં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવશે.










