MORBI:મોરબીમાં મંત્રી ક્રાંતિલાલ અમૃતિયાના હસ્તે ‘સુરજ બાગ’નું લોકાર્પણ કરવામાં આવ્યું


ગાંધી જયંતીના પાવન પર્વે મોરબીવાસીઓને મહાનગરપાલિકા તરફથી એક સુંદર ભેટ મળી છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા ₹1.75 કરોડના ખર્ચે આકાર પામેલા આધુનિક ‘સુરજ બાગ’નું મંત્રી ક્રાંતિલાલ અમૃતિયાના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બગીચો શહેરીજનો માટે તદ્દન નિઃશુલ્ક રહેશે.આરોગ્ય અને સુખાકારી: મોર્નિંગ વોક માટે સુવિધાયુક્ત વોકવે તથા મેડિટેશન/ધ્યાન માટે ખાસ યોગા પોઈન્ટ.પીવાનું શુદ્ધ પાણી: મુલાકાતીઓ માટે RO પ્લાન્ટની વ્યવસ્થા.ફ્રી એન્ટ્રી: તમામ નાગરિકો માટે કોઈ પણ એન્ટ્રી ફી વગર બગીચો ખુલ્લો મુકાયો.

૨ વર્ષ સુધી કોન્ટ્રાક્ટર કરશે જાળવણી: મંત્રી ક્રાંતિલાલ અમૃતિયા લોકાર્પણ પ્રસંગે માહિતી આપતાં મંત્રી ક્રાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે, “રાજ્ય સરકારની યોજના અંતર્ગત ₹1.75 કરોડના ખર્ચે સુરજ બાગ તૈયાર કરાયો છે. આગામી 2 વર્ષ સુધી આ બગીચાની સંપૂર્ણ જાળવણી કોન્ટ્રાક્ટર દ્વારા જ કરવામાં આવશે.”તેમણે ઉમેર્યું કે ચોમાસું પૂરું થતાં જ મોરબીમાં વિકાસ કાર્યો તેજ બન્યા છે: શહેરમાં આગામી સમયમાં અંદાજે 2 લાખ વૃક્ષોનું વાવેતર થશે. દર અઠવાડિયે શહેરમાં 1 થી 2 નવા વિકાસકામો (નવા બગીચા, પીવાના પાણીની લાઈન અને ગટર વ્યવસ્થા) હાથ ધરાશે.તેમણે શહેરીજનોને અપીલ કરી હતી કે આ બગીચો જાહેર મિલકત હોવાથી સૌએ પોતાના ઘરની જેમ જ તેની સ્વચ્છતા અને જાળવણી રાખવી જોઈએ.

મોરબીના મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે, નગરજનો માટે યોગા પોઈન્ટ, વોકવે અને પીવાના પાણી જેવી તમામ મૂળભૂત સવલતો ઉપલબ્ધ કરાવાઈ છે. ભવિષ્યમાં પણ મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવા વધુ બગીચાઓનું નિર્માણ કરવામાં આવશે. તેમણે પણ નાગરિકોને બાગની યોગ્ય જાળવણીમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.












