બોડેલી નગરપાલિકા વિસ્તારમાં અનેક નાની-મોટી સોસાયટીઓ આવેલી છે. કેટલીક સોસાયટીઓમાં માલિકીના અથવા કોમન પ્લોટ તરીકે ખુલ્લી જગ્યાઓ આવેલી છે, જ્યાં બાંધકામ ન હોવાના કારણે કેટલીક વખત કચરાના ઢગલા જોવા મળે છે. હાલ નગરપાલિકા દ્વારા ગલી-ગલી કચરો ઉઠાવવા માટેની ગાડીઓ નિયમિત રીતે ફરતી હોવા છતાં બોડેલીની એક સોસાયટીમાં ખુલ્લી જગ્યાએ કચરાના ઢગલા જોવા મળ્યા હતા. આ અંગે સ્થાનિકોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, “પેલી નાખી જાય, પેલી નાખી જાય એટલે કચરો થાય અને બીમારી થાય છે.” ખાસ વાત એ છે કે જ્યારે સ્થાનિકોને પૂછવામાં આવ્યું કે નગરપાલિકાની કચરો ઉઠાવવાની ગાડી આવે છે કે નહીં, ત્યારે સ્થાનિકોએ જણાવ્યું કે કચરો ઉઠાવવાની ગાડી તો રોજ આવે છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જો કચરો ઉઠાવવાની ગાડી દરરોજ આવે છે, તો ખુલ્લી જગ્યાઓ પર આટલો કચરો કેવી રીતે એકઠો થાય છે? શું કેટલાક લોકો હજુ પણ ખુલ્લા અથવા કોમન પ્લોટમાં કચરો નાખી રહ્યા છે? અને જો નગરજનો જ ખુલ્લી જગ્યાએ કચરો નાખતા હોય તો શું માત્ર નગરપાલિકાની જ જવાબદારી છે? સ્વચ્છ શહેર રાખવાની જવાબદારી નગરપાલિકાની સાથે નગરજનોની પણ એટલી જ નથી? નગરપાલિકા દ્વારા કચરો ઉઠાવવાની વ્યવસ્થા કરવામાં આવે અને નગરજનો પણ કચરો જાહેર કે ખુલ્લી જગ્યાએ ન નાખે, તો જ સ્વચ્છતા જળવાઈ શકે. ત્યારે આ મામલે નગરપાલિકા દ્વારા યોગ્ય દેખરેખ સાથે નગરજનોમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે જરૂરી બન્યું છે.