બોડેલીના વેગાનગરમાં ગટર ઉભરાવાની સમસ્યા, સ્થાનિકો પરેશાન

સ્વચ્છતા અભિયાનની વાતો વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરપાલિકા વિસ્તારમાં ગંદકીની ગંભીર સમસ્યા સામે આવી છે. બોડેલીના અલીપુરા એસ.ટી. ડેપો નજીક આવેલા વેગાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વર્ષો જૂની અને નાના હોલની ગટર લાઈન હોવાના કારણે ગટરનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી, જેના કારણે વારંવાર ગટર ઉભરાઈને રસ્તા અને રહેણાંક વિસ્તાર તરફ ગંદુ પાણી ફેલાય છે. આ સમસ્યા અંગે નગરપાલિકાના સભ્યો તેમજ જવાબદાર તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોના આક્ષેપ મુજબ, મોટા હોલની નવી પાઈપલાઈન નાખી સમસ્યાનું નિરાકરણ લાવવાની રજૂઆત સામે માત્ર આશ્વાસન જ આપવામાં આવી રહ્યું છે. ગટર ઉભરાયા બાદ સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવે છે અને થોડા સમય માટે રાહત મળે છે, પરંતુ થોડા જ દિવસોમાં ફરી ગટર ઉભરાવાની સ્થિતિ સર્જાય છે. ગંદુ પાણી બહાર આવતા વિસ્તારમાં ગંદકી સાથે અસહ્ય દુર્ગંધ ફેલાતી હોવાથી સ્થાનિક રહીશો અને રાહદારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યા નવી નથી અને અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી છે, છતાં કાયમી ઉકેલના અભાવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલની નાની પાઈપલાઈનને બદલે મોટા હોલની નવી ગટર લાઈન નાખી કાયમી ઉકેલ લાવવામાં આવે અને વેગાનગરના સ્થાનિકોને ગંદકી તથા દુર્ગંધમાંથી વહેલી તકે રાહત મળે તેવી માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા તંત્ર દ્વારા સ્થાનિકોની આ સમસ્યાનું ક્યારે કાયમી નિરાકરણ લાવવામાં આવે છે.

રિપોર્ટર તોસીફ ખત્રી

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો