વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
સફાઈ ઝુંબેશ સાથે નિષ્ણાતો દ્વારા પ્રાચીન સ્મારકોના ઈતિહાસ અને સ્થાપત્ય કલા અંગે શૈક્ષણિક ચર્ચા કરી યુવાનોમાં વિરાસત પ્રત્યે જાગૃતિ કેળવવાનો પ્રયાસ
ભુજ,તા-૦૨ ઓક્ટોબર : રાજ્યમાં ચાલી રહેલા દેશવ્યાપી ‘સેવા સંકલ્પ’ અભિયાન અંતર્ગત કચ્છના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે એક સંયુક્ત પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ અભિયાન હેઠળ કચ્છ મ્યુઝિયમ, પુરાતત્વ કચ્છ સર્કલ અને કચ્છ યુનિવર્સિટીના અધિકારીઓ, પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ એકત્ર થઈને કચ્છના બે મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળો ‘બડી મેઢી’ અને ‘પુઅરેશ્વર’ ખાતે વ્યાપક સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બડી મેઢી અને પુઅરેશ્વર સ્મારકના પરિસરમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ સાથે જ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. માત્ર ભૌતિક સફાઈ પૂરતું સીમિત ન રહેતા, ઉપસ્થિત નિષ્ણાતો અને વિદ્યાર્થીઓએ આ પ્રાચીન સ્મારકોના ઇતિહાસ, તેમની સ્થાપત્ય કલા અને વર્તમાન સમયમાં તેમના સંરક્ષણના મહત્વ પર વિગતવાર ચર્ચા કરી હતી. આ ટીમે ‘હ્યુમન મેન્ટલિઝમ’ અને ઐતિહાસિક દ્રષ્ટિકોણને કેન્દ્રમાં રાખીને આ ધરોહરો પ્રત્યે જનજાગૃતિ વધારવા તેમજ માનવ વ્યવહાર અને સંસ્કૃતિના ઇતિહાસને સમજવાની દિશામાં શૈક્ષણિક કાર્ય પણ કર્યું હતું.આ પ્રસંગે ડૉ. આદિત્ય સિંહ અને ડૉ. મહેન્દ્ર સિંહ સુરેલાએ જણાવ્યું હતું કે આપણી ઐતિહાસિક ધરોહરો ભૂતકાળનો અરીસો છે. સેવા સંકલ્પના માધ્યમથી સરકારી વિભાગો અને શૈક્ષણિક સંસ્થાઓનો આ સંયુક્ત પ્રયાસ દર્શાવે છે કે જ્યારે સમાજ અને સંસ્થાઓ સાથે આવે છે, ત્યારે સંસ્કૃતિને વધુ સારી રીતે સુરક્ષિત રાખી શકાય છે. આ અભિયાન યુવાનોમાં પોતાની પ્રાચીન વિરાસત પ્રત્યે જવાબદારીની ભાવના જગાડવામાં અને કચ્છના પર્યટન તેમજ ઇતિહાસને નવી દિશા આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
આ અભિયાનનું નેતૃત્વ પુરાતત્વ કચ્છ સર્કલના વરિષ્ઠ અધિકારી ડૉ. આદિત્ય સિંહ તેમજ સંગ્રહાલય વિભાગના ક્યુરેટર ડૉ. મહેન્દ્ર સિંહ સુરેલા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સાથે પુરાતત્વ વિભાગના અધિકારી જયપાલ સિંહ જાડેજા અને ધવલ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા.ઐતિહાસિક ધરોહરની જાળવણીના આ કાર્યમાં કચ્છ યુનિવર્સિટીના વિઝ્યુઅલ આર્ટ ડિપાર્ટમેન્ટના શ્રી જિગર સોની અને તેમના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શ્રમદાન કર્યું હતું. આ સાથે યુનિવર્સિટીના આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના શ્રી શનિ મકવાણા અને તેમના વિદ્યાર્થીઓએ પોતાની તકનીકી અને ઐતિહાસિક સમજ સાથે આ સેવા કાર્યમાં યોગદાન આપ્યું હતું.











