વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

વાંસદા તાલુકાના લીમઝર ગામે વન વિભાગની વાંસદા પશ્ચિમ રેન્જ હેઠળ આવેલા હાઈ ડેન્સિટી પ્લોટ ખાતે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક, વલસાડના નાયબ વન સંરક્ષક, વાંસદા એ.સી.એફ., વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, મામલતદાર, જિલ્લા ભાજપ મહામંત્રી ડૉ. લોચન શાસ્ત્રી, જિલ્લા પંચાયત સિંચાઈ ચેરમેન કરસનભાઈ, સંગઠન પ્રમુખ સંજયભાઈ, વાંસદા ભાજપ સંગઠન ઉપપ્રમુખ રાકેશભાઈ શર્મા, લીમઝર ગામના સરપંચ નૂતનબેન સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન માત્ર વૃક્ષો વાવીને ફોટોગ્રાફી કે ઉજવણી પૂરતી સીમિત ન રહેતા વાવેલા વૃક્ષોની નિયમિત માવજત અને જતન કરવું એટલું જ મહત્વપૂર્ણ હોવાનું ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું. ગ્રામજનોને વન વિભાગ દ્વારા યોજાતા વિવિધ વૃક્ષારોપણ કાર્યક્રમોમાં સક્રિય સહભાગી બની પર્યાવરણ સંરક્ષણમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. મુખ્ય વન સંરક્ષક દ્વારા ક્લાયમેટ ચેન્જની વધતી અસરને ઘટાડવા વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવા લોકોને અનુરોધ કરાયો હતો. સાથે જ ખેતરોના શેઢા-પાળા પર વૃક્ષો વાવી જમીનને હરિયાળી બનાવવાની તથા વન વિભાગની વિવિધ વાવેતર યોજનાઓનો લાભ લેવા પણ અપીલ કરવામાં આવી હતી. અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના સમાપન સાથે ગ્રામજનોમાં હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.









