વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 

નવરચિત વાવ-થરાદ જિલ્લાની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થતાં ગાંધી જયંતિના પાવન અવસરે જિલ્લામાં પ્રથમ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ‘રન ફોર વાવ-થરાદ’ અભિયાન અંતર્ગત થરાદના ગૌમાતા ચાર રસ્તાથી ઢીમા સુધી ભવ્ય 15 કિલોમીટર સાયક્લોથોન યોજાઈ હતી.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં યોજાયેલી સાયક્લોથોનમાં મોટી સંખ્યામાં યુવાનો, સાયકલિંગ ક્લબના સભ્યો, પોલીસ જવાનો, અધિકારીઓ અને નગરજનો જોડાયા હતા. ખાસ વાત એ રહી કે અધ્યક્ષશ્રીએ પોતે સમગ્ર 15 કિલોમીટર સાયકલ ચલાવી સહભાગીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
થરાદથી શરૂ થયેલી સાયક્લોથોન ઢીમા ખાતે આવેલા શ્રી ધરણીધર ભગવાનના મંદિર પરિસરે પૂર્ણ થઈ હતી. માર્ગમાં વિવિધ સ્થળોએ નાગરિકોએ સાયક્લોથોનનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિકાસ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
‘પહેલું વર્ષ પાયાનું વર્ષ’ : શંકરભાઈ ચૌધરી
આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જિલ્લાવાસીઓને પ્રથમ સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, વાવ-થરાદ જિલ્લો બનવાથી સરહદી વિસ્તારમાં વહીવટી પ્રક્રિયાઓ ઝડપી બની છે અને છેવાડાના ગામડાં સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવામાં સરળતા થઈ છે. પ્રથમ વર્ષ પાયાની સુવિધાઓ અને વહીવટી સંગઠનનું વર્ષ રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે નર્મદાના નીર, આધુનિક કૃષિ, પશુપાલન અને સરહદી પ્રવાસન ક્ષેત્રે વાવ-થરાદને આગામી સમયમાં વધુ વિકાસની દિશામાં લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સાથે જ નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા, વૃક્ષારોપણ અને સ્વચ્છતાને જીવનશૈલીનો ભાગ બનાવવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ જવાનો, સામાજિક-રાજકીય અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઢીમા ખાતે સાયક્લોથોન પૂર્ણ થયા બાદ શ્રી ધરણીધર ભગવાનના દર્શન કરી જિલ્લાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.









