વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
કચ્છમાં આગામી ૧૧, ૧૮, ૨૫ ઓક્ટોબર અને ૧ નવેમ્બરના રોજ બી.એલ.ઓ. દ્વારા મતદાન મથકો પર સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી ફોર્મ-૬ સ્વીકારવામાં આવશે.
મહત્તમ નવા મતદારોને આ નોંધણી ઝુંબેશમાં જોડાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી, કચ્છ દ્વારા જાહેર જનતાને અપીલ.
ભુજ,તા-૦૨ ઓક્ટોબર : ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ, જે રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં SSR ની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ત્યાં મુખ્ય ચૂંટણી અધિકારી (CEO), જિલ્લા ચૂંટણી અધિકારી (DEO) તથા મતદાર નોંધણી અધિકારી (ERO) દ્વારા સતત મતદારયાદી સુધારણા (Continuous Updation) પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત મતદારયાદીમાં નોંધણીથી બાકી રહી ગયેલા નાગરિકો તેમજ યુવા કે જેઓ પ્રથમ વખત મતદાર તરીકે પાત્ર બનેલા છે, તેવા નાગરિકોની નોંધણી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવા જણાવવામાં આવ્યું છે.આ ઝુંબેશ અંતર્ગત આગામી તારીખ ૧૧/૧૦/૨૦૨૬, ૧૮/૧૦/૨૦૨૬, ૨૫/૧૦/૨૦૨૬ અને ૦૧/૧૧/૨૦૨૬ ના રોજ સતત સુધારણા પ્રક્રિયા હેઠળ બાકી રહી ગયેલા અને નવા/પ્રથમ વખતના પાત્ર મતદારોના નામ નોંધવા અંગેની ખાસ ઝુંબેશ યોજવામાં આવશે.આ નિયત દિવસોએ ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી (બી.એલ.ઓ.) દ્વારા સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૦૫:૦૦ કલાક સુધી મતદાન મથક ખાતે ઉપસ્થિત રહીને નવા ફોર્મ-૬ અંગેની અરજીઓ સ્વીકારવામાં આવશે. વિશેષમાં, ચૂંટણી પંચની સૂચના અનુસાર, આ સમયગાળા દરમિયાન રજૂ કરવાના ફોર્મ-૬ સાથે ઘોષણા પત્રક (Declaration Form) જોડવાના રહેશે નહીં. આ કાર્યક્રમ અન્વયે બહોળી સંખ્યામાં નવા મતદારો આ ખાસ ઝુંબેશમાં જોડાય અને પોતાના મતાધિકારની નોંધણી કરાવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર-કચ્છ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.











