રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
26 અઠવાડિયે જન્મેલા માત્ર એક કિલો વજનના પ્રિમેચ્યોર બાળક અને ગંભીર બેક્ટેરિયલ ચેપથી પીડિત નવજાતને સઘન સારવાર બાદ અપાઈ રજા
NICU ટીમની સતત દેખરેખ, આધુનિક સારવાર અને તબીબો-નર્સિંગ સ્ટાફની અથાગ મહેનતથી બંને બાળકો સ્વસ્થ થયા
ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે થતી સારવાર સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી
અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફની તબીબી નિપુણતા, આધુનિક સારવાર પદ્ધતિ અને સતત દેખરેખના પરિણામે અત્યંત નાજુક સ્થિતિમાં રહેલા બે નવજાત શિશુઓને નવજીવન મળ્યું છે. બંને બાળકોને લાંબા સમય સુધી NICUમાં સઘન સારવાર આપવામાં આવ્યા બાદ તેમની તબિયતમાં નોંધપાત્ર સુધારો થતાં સ્વસ્થ હાલતમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
બંને કિસ્સાઓમાં બાળકોની સ્થિતિ શરૂઆતથી જ અત્યંત ગંભીર હતી. એક બાળકનો જન્મ ગર્ભાવસ્થાના માત્ર 26મા અઠવાડિયે થયો હતો અને તેનું વજન માત્ર એક કિલોગ્રામ હતું, જ્યારે બીજા બાળકને જન્મ બાદ ગંભીર બેક્ટેરિયલ ચેપ સહિતની જટિલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તબીબી ટીમ દ્વારા સમયસર નિદાન, આધુનિક સારવાર અને સતત દેખરેખના કારણે બંને બાળકોને સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી હતી.
26 અઠવાડિયે જન્મેલા એક કિલોના બાળકની 84 દિવસની સારવાર
પ્રથમ કિસ્સામાં બાળકનો જન્મ ગર્ભાવસ્થાના માત્ર 26મા અઠવાડિયે થયો હતો. આટલા ઓછા સમયગાળામાં જન્મ થવાના કારણે બાળકનાં ફેફસાં તેમજ અન્ય મહત્વપૂર્ણ અંગો સંપૂર્ણપણે વિકસિત થયા ન હતા. જન્મતાની સાથે જ બાળકને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ ઊભી થઈ હતી.
ડિલિવરી રૂમમાંથી જ બાળકને કૃત્રિમ શ્વાસની સહાય આપવામાં આવી હતી અને ત્યારબાદ તેને NICUમાં ખસેડવામાં આવ્યું હતું. શરૂઆતમાં બાળક દૂધ પચાવી શકતું ન હોવાથી જરૂરી પોષણ નસ મારફતે આપવામાં આવ્યું હતું.
તબીબી ટીમ દ્વારા બાળકની સ્થિતિનું સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ધીમે ધીમે બાળકની તબિયતમાં સુધારો થતાં ચમચી-વાટકી દ્વારા માતાનું દૂધ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.
સારવારના 81મા દિવસે બાળક વધારાના ઓક્સિજન વિના કુદરતી રીતે શ્વાસ લેવાનું શરૂ કર્યું હતું. 84 દિવસની સઘન સારવાર બાદ બાળકનું વજન એક કિલોગ્રામથી વધીને 1.8 કિલોગ્રામ થયું હતું.
બાળકની તબિયત સ્થિર થયા બાદ તેને RSV સામે રક્ષણ આપતી Nirsevimab દવા આપવામાં આવી હતી. આ ઉપરાંત શ્રવણ શક્તિની જરૂરી તપાસ પણ કરવામાં આવી હતી. તમામ જરૂરી તબીબી મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ બાળકને સ્વસ્થ હાલતમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ગંભીર ચેપ અને અનેક જટિલતાઓ સામે બાળકની સફળ સારવાર
બીજા કિસ્સામાં 39 અઠવાડિયાના પૂર્ણ ગર્ભકાળ બાદ ચીપિયાની મદદથી પ્રસૂતિ કરાવવામાં આવી હતી. જન્મ બાદ બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને તાત્કાલિક NICUમાં દાખલ કરવામાં આવ્યું હતું.
જન્મ બાદ શરૂઆતના દિવસોમાં જ બાળકને ગંભીર ચેપ ઉપરાંત મગજમાં લોહી ગંઠાઈ જવું અને ખેંચ આવવા જેવી જટિલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. બાળકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને શ્વાસ લેવામાં સહાય આપવા માટે શરૂઆતમાં CPAP અને ત્યારબાદ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું.
સારવાર દરમિયાન બાળકને કુલ આઠ દિવસ વેન્ટિલેટર, દસ દિવસ CPAP અને છ દિવસ HFNC સપોર્ટની જરૂર પડી હતી. તબીબી ટીમ દ્વારા સતત દેખરેખ અને સારવાર આપવામાં આવતા ધીમે ધીમે બાળકની શ્વાસની તકલીફમાં સુધારો થવા લાગ્યો હતો. અંતે બાળક વધારાના ઓક્સિજન વિના કુદરતી રીતે શ્વાસ લેવામાં સક્ષમ બન્યું હતું.
મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયલ ચેપની સારવાર
બાળકની સારવાર દરમિયાન કરવામાં આવેલા લોહી અને CSF એટલે કે મગજ તથા કરોડરજ્જુની આસપાસ રહેલા પ્રવાહીના કલ્ચર રિપોર્ટમાં મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયલ ચેપની પુષ્ટિ થઈ હતી.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને NICU ઇન્ચાર્જ ડૉ. ચારુલ મહેતા, ડૉ. અનુયા ચૌહાણ, ડૉ. માનસી શાહ અને ડૉ. કોમલ ચૌધરી સહિતની તબીબી ટીમે નર્સિંગ સ્ટાફના સહયોગથી બાળકની સ્થિતિનું સતત મૂલ્યાંકન કર્યું હતું.
રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓ અનુસાર ચેપની ગંભીરતા અને કલ્ચર રિપોર્ટને ધ્યાનમાં રાખીને જરૂરી એન્ટિબાયોટિક્સની પસંદગી કરવામાં આવી હતી અને યોગ્ય સમયગાળા સુધી તેની સારવાર કરવામાં આવી હતી.
બાળકની લાંબી સારવાર દરમિયાન શરૂઆતમાં તેને જરૂરી પોષણ નસ મારફતે આપવામાં આવ્યું હતું. ત્યારબાદ રાઇલ્સ ટ્યુબ મારફતે દૂધ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. બાળકની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થતાં તેણે માતાનું ધાવણ લેવાનું પણ શરૂ કર્યું હતું.
સઘન સારવાર અને સતત દેખરેખના પરિણામે બાળકની શ્વાસની સ્થિતિ સ્થિર થઈ હતી અને ગંભીર ચેપ સામેની સારવાર બાદ તેને સ્વસ્થ હાલતમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સમયસર નિદાન અને ટીમવર્કથી મળી સફળતા
આ બંને કિસ્સાઓમાં તબીબી ટીમ માટે બાળકોની ગંભીર સ્થિતિ એક મોટો પડકાર હતી. જોકે સમયસર નિદાન, યોગ્ય સારવાર પદ્ધતિ, અત્યાધુનિક સાધનો અને તબીબો તથા નર્સિંગ સ્ટાફના સંકલિત પ્રયાસોના પરિણામે બંને નવજાત શિશુઓની સ્થિતિમાં સતત સુધારો જોવા મળ્યો હતો.
બંને બાળકોની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો લાખો રૂપિયાનો ખર્ચ થઈ શકે તેવી હતી. જોકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ સમગ્ર સારવાર સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવી હતી. બાળકો સ્વસ્થ થતાં તેમના માતા-પિતાએ સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
તબીબી અધિક્ષકે ટીમને અભિનંદન આપ્યા
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે બંને કિસ્સાઓમાં નવજાત શિશુઓની જટિલ બીમારીઓનું સમયસર નિદાન, આધુનિક સારવાર અને તબીબી ટીમની સમર્પિત મહેનતના પરિણામે શિશુઓને અત્યંત નાજુક સ્થિતિમાંથી બહાર લાવી સંપૂર્ણ સ્વસ્થ કરીને ઘરે મોકલવામાં સફળતા મળી છે.
તેમણે જણાવ્યું હતું કે બંને બાળકોની સારવાર સમગ્ર સિવિલ હોસ્પિટલ પરિવાર માટે સંતોષ અને ગૌરવની બાબત છે. આવા કિસ્સાઓમાં તબીબી ટીમના સંકલિત પ્રયાસો અને સતત દેખરેખનું વિશેષ મહત્વ રહે છે.
દરેક ક્ષણ મહત્વપૂર્ણ હોય છે: ડૉ. ચારુલ મહેતા
સિવિલ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત અને NICU ઇન્ચાર્જ ડૉ. ચારુલ મહેતાએ જણાવ્યું હતું કે અત્યંત ઓછા વજનવાળા પ્રિમેચ્યોર બાળકો તેમજ ગંભીર ચેપ ધરાવતા નવજાતોની સારવારમાં દરેક ક્ષણ મહત્વપૂર્ણ હોય છે.
તેમણે જણાવ્યું કે બાળકના શ્વાસ, પોષણ અને અન્ય મહત્વપૂર્ણ તબીબી પરિમાણોનું સતત નિરીક્ષણ જરૂરી રહે છે. ટીમના સંકલિત પ્રયાસો, શ્વાસ અને પોષણનું યોગ્ય આયોજન તથા સતત દેખરેખના કારણે બંને કિસ્સાઓમાં તબીબી પડકારોનો સફળતાપૂર્વક સામનો કરી શકાયો.
કલ્ચર રિપોર્ટ આધારિત સારવાર મહત્વપૂર્ણ: ડૉ. અનુયા ચૌહાણ
સિવિલ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડૉ. અનુયા ચૌહાણે જણાવ્યું હતું કે ગંભીર ચેપ ધરાવતા નવજાતોની સારવારમાં કલ્ચર રિપોર્ટના આધારે યોગ્ય દવાની પસંદગી કરવી અત્યંત જરૂરી છે.
તેમણે જણાવ્યું કે ચેપને નિયંત્રણમાં રાખવાની સાથે બાળકના શ્વાસને સ્થિર રાખવો અને પૂરતું પોષણ આપવું પણ સારવારનો મહત્વપૂર્ણ ભાગ છે. બંને બાળકોની તબિયતમાં સુધારો થઈ તેઓ સ્વસ્થ હાલતમાં ઘરે પરત ફર્યાં તે તબીબી ટીમ માટે આનંદની બાબત છે.
આધુનિક સારવારથી નવજાતોની જટિલ સારવારમાં સફળતા
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક તબીબી સાધનો, બાળરોગ નિષ્ણાતોની કુશળતા, NICUની સુવિધાઓ અને નર્સિંગ સ્ટાફની સતત સંભાળના સમન્વયથી બંને નવજાત શિશુઓની જટિલ સારવાર સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.
એક તરફ અત્યંત ઓછા વજન સાથે સમય પહેલાં જન્મેલા બાળકને 84 દિવસની સઘન સારવાર બાદ સ્વસ્થ કરવામાં આવ્યું, તો બીજી તરફ ગંભીર મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયલ ચેપ અને અન્ય જટિલતાઓ ધરાવતા બાળકને પણ સારવાર બાદ સ્વસ્થ ઘરે મોકલવામાં આવ્યું.
બંને કિસ્સાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ નિઃશુલ્ક અને ઉચ્ચસ્તરીય નવજાત સારવારની ક્ષમતાનું ઉદાહરણ બની રહ્યા છે.










