MORBI:મોરબી: “હું ચૂંટણી નહીં લડું, પક્ષના ઉમેદવાર માટે મત માંગીશ” — લલિત કગથરા

મોરબી ખાતે યોજાયેલી જિલ્લા કોંગ્રેસની મહત્વની બેઠકમાં પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા લલિત કગથરાએ આગામી વિધાનસભા ચૂંટણી લડવા અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “હું ચૂંટણી લડવાનો નથી, પરંતુ પક્ષ જે પણ ઉમેદવાર નક્કી કરશે તેના માટે મત માંગવા જરૂર જઈશ.” તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં તેમની ઉમેદવારીને લઈને ચાલી રહેલી તમામ અટકળો પર હાલ પૂરતો પૂર્ણવિરામ મુકાઈ ગયો છે.

જિલ્લા કોંગ્રેસની બેઠકમાં સંગઠન અને આગામી રણનીતિ પર મંથન મોરબીના એક ખાનગી હોલમાં આયોજિત આ બેઠકમાં કોંગ્રેસ નેતા લલિત વસોયા, લલિત કગથરા ઉપરાંત જિલ્લા અને શહેર કોંગ્રેસના આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ તાલુકા પ્રમુખો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પક્ષના આગામી કાર્યક્રમો, સંગઠનાત્મક માળખું અને આગામી વિધાનસભા ચૂંટણીની પૂર્વતૈયારીઓ અંગે ગહન વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તાજેતરમાં માર્કેટિંગ યાર્ડના પરિણામો અને મોરબી પંથકમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના મુદ્દાઓ પર પણ ચર્ચા હાથ ધરાઈ હતી.

છેલ્લા કેટલાક સમયથી લલિત કગથરા મોરબીથી લઈને અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધી સતત સક્રિય ભૂમિકામાં નજરે પડી રહ્યા હતા. તેમની વધતી સક્રિયતાને કારણે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા જોર પકડી રહી હતી કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં ફરી મેદાનમાં ઉતરી શકે છે. જોકે, બેઠક દરમિયાન તેમણે પોતે ચૂંટણી ન લડીને સંગઠનને મજબૂત કરવા અને ઉમેદવારના પ્રચારમાં જોડાવાનો નિર્ધાર વ્યક્ત કરતાં કાર્યકરોમાં ચિત્ર સ્પષ્ટ થયું છે.












