માંગરોળ | સુરત : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામમાં સ્વચ્છતા વ્યવસ્થાની હકીકત સામે આવતાં ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. ગામના વિવિધ વિસ્તારોમાં નાળામાં પ્લાસ્ટિક સહિતનો કચરો જમા થયેલો, કાળાશવાળું ગંદુ પાણી ભરાયેલું અને આસપાસ કચરાના ઢગલા જોવા મળતાં સ્વચ્છતા વ્યવસ્થાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

સ્થળ પરથી સામે આવેલા દૃશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે નાળાની નિયમિત સફાઈ અને કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા અંગે તંત્રએ વધુ ગંભીરતા દાખવવાની જરૂર છે. નાળામાં કચરો ભરાઈ જતાં પાણીના વહેણમાં અવરોધ ઊભો થવાની સાથે દુર્ગંધ અને મચ્છર-જીવાતોના ઉપદ્રવની સમસ્યા સર્જાઈ શકે છે. રહેણાંક વિસ્તાર નજીક આવી સ્થિતિ યથાવત રહે તો જાહેર આરોગ્ય માટે પણ ચિંતાનો વિષય બની શકે છે.
રજૂઆત છતાં કાર્યવાહી કેમ નહીં?
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગંદકી અંગે ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા તલાટી-કમ-મંત્રીને રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. જો રજૂઆત થઈ હોય તો તેના આધારે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી, કયા સ્થળે સફાઈ હાથ ધરાઈ અને કચરાનો નિકાલ કેવી રીતે કરવામાં આવ્યો તે અંગે ગ્રામજનોમાં સ્વાભાવિક રીતે પ્રશ્નો ઊભા થયા છે.
ગામની સ્વચ્છતા માત્ર કાગળ પરની કામગીરીથી નહીં પરંતુ સ્થળ પર દેખાતી વ્યવસ્થાથી સાબિત થવી જોઈએ. પાલોદમાં હાલની સ્થિતિ જોતા નિયમિત સફાઈ વ્યવસ્થા કેટલી અસરકારક છે તે અંગે જવાબદાર તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવી જરૂરી બની છે.
તાત્કાલિક સફાઈ સાથે જવાબદારી નક્કી કરવાની માંગ
ગ્રામજનોની માંગ છે કે નાળામાંથી તાત્કાલિક કચરો દૂર કરવામાં આવે, ગંદા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તથા સમગ્ર વિસ્તારની સફાઈ હાથ ધરવામાં આવે. સાથે જ ભવિષ્યમાં નાળામાં ફરી કચરો ન ભરાય તે માટે નિયમિત સફાઈ અને કચરા વ્યવસ્થાપનની અસરકારક વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
આ ઉપરાંત, સંબંધિત તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા માટે કરવામાં આવેલી કામગીરી, કચરા વ્યવસ્થાપન અને તેના માટે થયેલા ખર્ચની જરૂરી ચકાસણી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.
હવે સવાલ સીધો છે—પાલોદની ગંદકી ક્યારે સાફ થશે? ગ્રામજનોની રજૂઆત અને સ્થળ પર જોવા મળતી સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા માત્ર દેખાવ પૂરતી સફાઈ થશે કે સમસ્યાનો કાયમી ઉકેલ આવશે, તેના પર હવે સૌની નજર છે.
રિપોટર કલ્પેશ ધામેલીયા સુરત









