RAJKOT:રાજકોટ રેન્જ ટીમે ઉપલેટાના નાગવદર પાસે વેણુ નદીમાંથી ગેરકાયદે ખનીજ ચોરી ઝડપી લીઘી: ₹૩૫ લાખના વાહનો સાથે ૬ શખ્સોને દબોચ્યા

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલ નાગવદર ગામ નજીક ગધેથડ રોડ પર વેણુ નદીના પટમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતી ટોળકીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી જેસીબી, લોડર અને બે ટ્રેક્ટર સહિત કુલ ₹૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIGP) શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હેઠળના વિસ્તારોમાં સરકારી તેમજ કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા તત્ત્વો સામે કડક પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા, શ્રી એ.વાય.ઉધાસ સહિત સ્ટાફે બાતમીદારો અને હ્યુમન સોર્સ મારફતે તપાસ તેજ કરી હતી.
દરમ્યાન સ્ટાફના કુલદિપસિંહ ચુડાસમા, રવીરાજસિંહ વાળા, દિવ્યેશભાઇ સુવા તથા નિકુલભાઇ પંપાણીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે વેણુ નદીના પટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદે ખનન કરતા ૬ શખ્સોને ઝડપી લેવાયા હતા:
સાગરભાઈ દાસાભાઈ ખાંભલા (જેસીબી ડ્રાઈવર, રહે. મહિકી, જામજોધપુર) હિતેશ કારાભાઈ ભીંટ (જેસીબી માલિક, રહે. નાગવદર) રણછોડભાઈ દેવાભાઈ ભીંટ (ટ્રેક્ટર ડ્રાઈવર, રહે. નાગવદર) દર્શનભાઈ કનુભાઈ મકવાણા (લોડર ડ્રાઈવર, રહે. નાગવદર) મયુરભાઈ ગોવાભાઈ ભીંટ (લોડર માલિક, રહે. નાગવદર) રાણાભાઈ મસરીભાઈ ભીંટ (આઈસર ટ્રેક્ટર ડ્રાઈવર, રહે. નાગવદર)
કબજે લેવાયેલ મુદ્દામાલ:૧ જેસીબી (કિંમત ₹૧૫,૦૦,૦૦૦)૧ લોડર (કિંમત ₹૧૦,૦૦,૦૦૦) ૨ ટ્રેક્ટર (કિંમત ₹૧૦,૦૦,૦૦૦) કુલ કિંમત: ₹૩૫,૦૦,૦૦૦/- રાજકોટ રેન્જ ટીમે તમામ વાહનો સીઝ કરી ઉપલેટા પોલીસ સ્ટેશન તેમજ ભૂસ્તર વિજ્ઞાન અને ખાણખનીજ વિભાગ (Mines and Minerals) ના અધિકારીઓને સોંપ્યા છે, જેથી આરોપીઓ સામે દંડકીય અને કાયદેસરના પગલાં લઈ શકાય.












