રાજકીય અસ્તિવ ગુમાવી ચૂકેલા શંકર સિંહ વાઘેલા ની ‘ભાગલા પાડો અને રાજ કરો’ ની માનસિકતા થી સમાજો વચ્ચે ઝેર ઘોળવા નો નિષ્ફળ પ્રયાસ.: લેખક – અમીત ત્રિવેદી

ગુજરાતના રાજકારણમાં એક સમયના પીઢ નેતા ગણાતા શંકરસિંહ વાઘેલા આજે પોતાની રાજકીય સફરના એવા મોડ પર આવીને ઊભા રહ્યા છે જ્યાં તેમની ગણના હવે માત્ર એક ‘નિષ્ફળ અને વિવાદાસ્પદ’ નેતા તરીકે થઈ રહી છે. પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ રહી ચૂકેલા શંકરસિંહે ભાજપ, કોંગ્રેસ, NCP અને પોતે બનાવેલી અસંખ્ય નવી પાર્ટીઓમાં આંટાફેરા મારી લીધા, પરંતુ ગુજરાતની જનતાએ તેમને ક્યારેય સ્વીકાર્યા નથી.

સાગબારાની સભામાં શંકરસિંહે પોતાની માનસિક સંકુચિતતા પ્રદર્શિત કરતા કહ્યું કે “બ્રાહ્મણ, વાણિયા અને પટેલ જો મેલું ઉપાડે તો હું પ્રતિ માસ ₹૫૦,૦૦૦ આપીશ.” રાજકીય ઠેકાણું ન મળતાં અને ફરી એકવાર કોંગ્રેસમાં ‘ઘરવાપસી’ કરવા માટે ફાંફા મારી રહેલા નેતા દ્વારા સમગ્ર ઉજળિયાત અને સદ્ધર સમાજની લાગણી દુભાવવાનો આ અત્યંત હીન પ્રયાસ છે. જો તેમને સલાહ આપવાનો એટલો જ શોખ હોય તો તેમણે પોતાના સમાજની પ્રગતિ માટે વિચારવું જોઈતું હતું, પરંતુ અન્ય સદ્ધર અને શિક્ષિત સમાજોને મેલું ઉપાડવાની આવી બાલિશ સલાહ આપીને તેમણે પોતાની ક્ષુદ્ર માનસિકતાનું જ પ્રદર્શન કર્યું છે.
શંકરસિંહ કદાચ એ ભૂલી ગયા છે કે જે પાટીદાર અને બ્રહ્મ સમાજ વિશે તેઓ ઝેર ઓકી રહ્યા છે, તે જ સમાજે હંમેશાં તેમને અને સમાજના અન્ય વર્ગોને સન્માન આપ્યું છે.તે સમાજના લોકોને મેલું ઉપાડવાના રૂ. ૫૦ હજાર આપવાની વાતો કરવી એ વાઘેલાની કેટલી વિકૃત અને કલંકિત માનસિકતા દર્શાવે છે?
શંકરસિંહ વાઘેલાની સમગ્ર રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો ‘ભાગલા પાડો અને રાજ કરો’ સિવાય તેમણે કોઈ ઇતિહાસ રચ્યો નથી. સમાજવાદી નેતાઓ અને બિહારના રાજકારણીઓને મળી આવ્યા છતાં તેમનો કોઈ ઉકેલ આવ્યો નહીં. એટલું જ નહીં, ખુદ તેમનો પોતાનો રાજપૂત સમાજ પણ આજે તેમને પૂર્ણ રીતે સ્વીકારતો નથી. નવી નવી પાર્ટીઓ બનાવીને પોતાના જ સમાજના યુવાનોને રાજકીય બલી ચડાવનારા વાઘેલા આજે રાજકીય અસ્તિત્વ ગુમાવી બેસતાં હવે બ્રહ્મ, પટેલ અને વાણિયા સમાજ પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરીને ચર્ચામાં રહેવાના નિકૃષ્ટ પ્રયાસો કરી રહ્યા છે.
ભૂતકાળમાં પણ શંકરસિંહ વાઘેલા પર ૧૪ જેટલા કોંગ્રેસના ધારાસભ્યો/નેતાઓને તોડીને ભાજપમાં મોકલવાના અને ભાજપની સત્તા બનાવવામાં મદદ કરવાના ગંભીર આક્ષેપો થયેલા છે. આજે જ્યારે તેઓ ફરી કોંગ્રેસમાં પ્રવેશવા માટે તરફડી રહ્યા છે, ત્યારે રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે કે – શું આ વખતે પણ તેઓ કોંગ્રેસને અંદરથી જ મોટું રાજકીય નુકસાન પહોંચાડવા માટે તો પ્રવેશ નથી કરી રહ્યા ને? આવી સમાજવિરોધી ટિપ્પણીઓથી કોંગ્રેસને ભારે રાજકીય ભોગવટો કરવો પડશે તેમાં કોઈ શંકા નથી.
શંકરસિંહના આ અહંકારી અને અપમાનજનક નિવેદનથી સમગ્ર બ્રહ્મ સમાજ, પાટીદાર સમાજ અને વાણિયા સમાજમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. શંકરસિંહ વાઘેલાએ તરત જ પોતાના આ બાલિશ નિવેદન બદલ જાહેર માફી માંગવી જોઈએ. વધતી ઉંમરે માનસિક સંતુલન ગુમાવીને સમાજમાં કડવાશ ફેલાવવાને બદલે હવે તેમણે રાજકારણના એક ખૂણામાં શાંતિથી બેસી જવું જોઈએ.









