
છોટાઉદેપુર તાલુકાના સીમલફળિયા ગામ નજીક રેતીની લીઝના ઊંડા ખાડામાં ખાબકતાં એક યુવકનું મોત નીપજ્યું છે. મકાઈ લેવા નીકળેલા ગોબરભાઈ સેન્દુભાઈ નાયકા લીઝ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે લપસી જતાં ખાડામાં ખાબક્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

સીમલફળિયા ગામ નજીક જૂના રસ્તા પાસે આવેલી રેતીની લીઝમાં આ દુર્ઘટના બની હતી. આશરે 38થી 40 વર્ષીય ગોબરભાઈ નાયકા મકાઈ લેવા માટે નીકળ્યા હતા. દરમિયાન લીઝ નજીકથી પસાર થતાં અચાનક લપસી જતાં ઊંડા ખાડામાં ખાબક્યા હતા. લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનો અને ગ્રામજનોએ શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન લીઝના ખાડામાંથી ગોબરભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે એકત્ર થયા હતા. ગ્રામજનોએ લીઝમાં મંજૂર મર્યાદા કરતાં વધુ ઊંડું ખોદકામ કરાયું હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ રસ્તાની નજીક આવેલા ઊંડા ખાડાની આસપાસ ફેન્સિંગ, તારની વાડ કે ચેતવણીના બોર્ડ જેવી સુરક્ષા વ્યવસ્થા ન હોવાને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા.
મૃતદેહને ઘટના સ્થળે લાવી ગ્રામજનોએ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. તંત્રના અધિકારીઓ સ્થળ પર આવી તપાસની ખાતરી આપે ત્યાં સુધી મૃતદેહ નહીં હટાવવાની ગ્રામજનોએ જીદ પકડી હતી.
બાદમાં ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. લીઝના ખાડાનું વાસ્તવિક ઊંડાણ તેમજ નિયમોનું પાલન થયું છે કે નહીં તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. ત્યારબાદ મૃતદેહને ઘટના સ્થળેથી હટાવવામાં આવ્યો હતો. ગ્રામજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
રિપોર્ટર તોસીફ ખત્રી










