તારીખ ૦૬/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
જનસેવા અને સુશાસનના ૨૫ ગૌરવવંતા વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કાલોલ તાલુકાના અલીન્દ્રા ગામ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા પંચાયત પ્રમુખ નીરજકુમાર પટેલ અને કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કાલોલ મામલતદાર વિકાસભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી હરદેવભાઈ ચૌહાણ, જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ તાલુકા ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર સહિતના આગેવાનો અને અધિકારીઓએ હાજરી આપી હતી.આ પ્રસંગે તમામ મહાનુભાવોએ ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો અને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. અને કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં આયુષ્માન કાર્ડ, રાશન કાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ સહાય સહિતના લાભો ગ્રામજનોને સ્થળ પર જ આપવામાં આવ્યા હતા. જ્યાં અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગામના લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું, જેને લઈને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.










