તારીખ ૦૬/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત ભાડા વિધેયક, 2026 ને લઈને રાજ્યભરના વકીલોનો વિરોધ યથાવત છે. સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા ભાડા કાયદામાં ભાડા સંબંધિત તકરારોની સત્તા સ્મોલ કોઝ કોર્ટમાંથી લઈને એડિશનલ કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર જેવા વહીવટી અધિકારીઓને આપવાની જોગવાઈનો વકીલ આલમ સખત વિરોધ કરી રહ્યું છે.
સૂત્રો મુજબ ગઈકાલે હાઈકોર્ટમાં એડવોકેટ જનરલ દ્વારા સરકાર વતી ખાતરી આપવામાં આવી હોવા છતાં વકીલો પોતાની હડતાળ પર અડગ છે. વકીલોનું કહેવું છે કે જ્યાં સુધી વિધેયકની વાંધાજનક કલમોને લેખિતમાં રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મહત્વની બોર્ડ બેઠક મળશે. બપોરે 12:30 કલાકે મળનારી આ બેઠકમાં વકીલોની હડતાળ અને આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. બાર કાઉન્સિલ દ્વારા અગાઉ અચોક્કસ મુદતની હડતાળનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે આજની બેઠકમાં કોઈ નવો નિર્ણય લેવાય છે કે કેમ તેના પર સૌની નજર છે. ત્યારે આ દરમિયાન, બાર કાઉન્સિલના ઠરાવના સમર્થનમાં કાલોલ સિવિલ અને સેશન્સ કોર્ટ ખાતે પણ આજે વકીલો કામથી અળગા રહેશે. જ્યાં કાલોલ બાર એસોસિએશન દ્વારા પહેલાથી જ અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરવામાં આવી છે.જેના કારણે કોર્ટની કામગીરીને અસર પહોંચી રહી છે અને પક્ષકારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.










