વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૬ ઓક્ટોબર : ‘માતાના મઢ’ ખાતે આસો નવરાત્રી દરમિયાનમાં આશાપુરાના દર્શને પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં શ્રદ્ધાભેર પગપાળા આવે છે. ભક્તો દ્વારા અહીંથી માતાજીના પ્રસાદની ખરીદી કરવામાં આવે છે, તેમજ પરિવારજનો માટે પ્રસાદ લઈ જવામાં આવે છે. લાખો ભક્તોની આસ્થા સાથે તેમનું સ્વાસ્થ્ય પણ જોખમાય નહીં અને શુદ્ધ ખોરાક મળી રહે તે હેતુસર ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA), ભુજ-કચ્છના ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી એસ. બી. પટેલ અને શ્રી એમ. એમ. પટેલ દ્વારા માતાના મઢ મંદિરની આસપાસના વિસ્તારોમાં આવેલી મીઠાઈ તથા પ્રસાદની પેઢીઓની ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.
વેપારીઓને તાકીદ અને કડક સૂચનાઓ :
તપાસ દરમિયાન તમામ વેપારીઓને ખાસ તાકીદ કરવામાં આવી હતી કે તેઓ ગ્રાહકો તથા શ્રદ્ધાળુઓને સંપૂર્ણપણે શુદ્ધ, ગુણવત્તાસભર અને તાજી મીઠાઈઓ જ પ્રસાદ સ્વરૂપે ઉપલબ્ધ કરાવે. અસ્વચ્છતા કે બિનઆરોગ્યપ્રદ પદાર્થોના વેચાણ સામે તંત્ર દ્વારા સખત રૂખ અપનાવવામાં આવ્યો છે.
૩૧ જેટલા ખાદ્યપદાર્થોના નમૂના (Samples) પૃથ્થકરણ અર્થે મોકલાયા :
મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં આવેલી વિવિધ દુકાનોમાંથી અન્ન અને ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા ચકાસવા માટે કુલ ૩૧ જેટલા વિવિધ ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે પેંડા, મિલ્ક કેક, સાકરીયા, રેવડી, પકવાન, ખાંડ/સાકર, સાટા અને થાબડી પેંડા જેવા લોકપ્રિય પ્રસાદ તથા ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. આ તમામ નમૂનાઓ લેબોરેટરીમાં પૃથ્થકરણ (Analysis) અર્થે મોકલી આપવામાં આવ્યા છે, જેના રિપોર્ટના આધારે નિયમાનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પદયાત્રી સેવા કેમ્પો પર માર્ગદર્શન : માતાના મઢ તરફ જતા રસ્તાઓમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને સમિતિઓ દ્વારા પદયાત્રીઓ માટે વિનામૂલ્યે સેવા કેમ્પો ચલાવવામાં આવે છે. આ કેમ્પોની પણ મુલાકાત લઈ આયોજકો તથા સેવા આપողીઓને ખાદ્ય સુરક્ષા અંગે માર્ગહદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ પદયાત્રીઓને હાઈજેનિક અને સુરક્ષિત આહાર-પાણી મળી રહે તે માટે વિશેષ સમજણ આપવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, ભુજ-કચ્છ દ્વારા આગામી સમયમાં પણ પદયાત્રીઓની ભીડ અને વધારાને ધ્યાનમાં રાખીને આ પ્રકારે ચેકિંગ અને અન્વેષણની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે, જેથી નાગરિકોનું આરોગ્ય જળવાઈ રહે.












