અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
માલપુર ફોરેસ્ટ કચેરીમાં બે પુરુષ અને મહિલાને માર માર્યાના ગંભીર આક્ષેપો – ઢોર ચરાવવા જતા સમયની ઘટનાનું ઉગ્ર સ્વરૂપ – MLA ધવલસિંહ ઝાલાએ ફોરેસ્ટ કર્મચારીઓને ખખડાવ્યા
માલપુર, અરવલ્લી:
માલપુર નોર્મલ ફોરેસ્ટ રેન્જ કચેરી ખાતે સુરજપુર અને સવાપુર ગામના બે પુરુષ તથા એક મહિલાને કચેરીમાં લઈ જઈ રૂમમાં બંધ કરી એક કલાકથી વધુ સમય સુધી માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર મામલે માલપુર પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

અરજીમાં જણાવ્યા મુજબ, પરિવારના સભ્યો ગાય, બળદ અને વાછરડાં લઈને ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે ફોરેસ્ટ વિભાગના વોચમેન દ્વારા તેમને રોકવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ ઢોર નર્સરી વિસ્તારમાં જતા રહેતા પરિવારના સભ્યો ઢોરને પરત લેવા ગયા હતા. તે દરમિયાન ફોરેસ્ટ કર્મચારીઓ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરી મારપીટ કરવામાં આવી હોવાનો તથા પરિવારના સભ્યોને જંગલ વિસ્તારમાં લઈ જઈ માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા અરજદારના ઘરે જઈ ઢોરને આઇસર વાહનમાં ભરવામાં આવ્યા હોવાનો તથા JCB મારફતે તોડફોડ કરવામાં આવી હોવાનો પણ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. બાદમાં ઢોરને માલપુર ફોરેસ્ટ કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા. સરપંચની હાજરીમાં મામલો થાળે પાડવા માટે રૂ.9,500માં સમાધાન થયું હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ત્યારબાદ પરિવારજનો બંને સરપંચો સાથે માલપુર ફોરેસ્ટ કચેરી ખાતે પહોંચ્યા હતા. અરજી મુજબ, RFO તથા સ્ટાફ દ્વારા પરિવારના સભ્યોને રૂમમાં લઈ જઈ ફરીથી બંધ કરવામાં આવ્યા અને બે પુરુષ તથા એક મહિલાને માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ દરમિયાન ધમકી આપવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
ઘટનાને પગલે ઇજાગ્રસ્તોએ 112 ઈમરજન્સી હેલ્પલાઇન પર જાણ કરી હોવાનો અરજીમાં ઉલ્લેખ છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની સ્થળ પર દોડી જઈ રજૂઆત કરી અધિકારીઓ અને કર્મચારીઓ ને ખખડાવ્યા
સમગ્ર ઘટનાની જાણ થતાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા માલપુર ફોરેસ્ટ કચેરી ખાતે તાત્કાલિક રૂબરૂ પહોંચ્યા હતા. ધારાસભ્યએ સમગ્ર મામલે અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી અને મારપીટના આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી.હાલ સમગ્ર મામલે અરજીના આધારે તપાસની માંગ ઉઠી છે. મારપીટ તથા તોડફોડના આક્ષેપો અંગે ફોરેસ્ટ વિભાગ તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી










