આર્ટસ કોલેજ લવાણા ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજાયો


અહેવાલ કલ્પેશ બારોટ
દિયોદર / લવાણા (૦૬ ઓક્ટોબર, ૨૦૨૬):
વાવ-થરાદ જિલ્લા પોલીસ સાયબર સેલ ટીમ દ્વારા દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારના લવાણા મુકામે આવેલી આર્ટસ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં વાવ-થરાદ સાયબર સેલના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ લુવાએ હાલમાં દિન-પ્રતિદિન વધી રહેલા સાયબર ફ્રોડના બનાવો, સાયબર સિક્યુરિટી, એન્ડ્રોઇડ મોબાઇલનો સુરક્ષિત ઉપયોગ, સાયબર ગુનાઓથી બચવા માટે રાખવાની તકેદારીઓ તથા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ માટે સ્ટ્રોન્ગ પાસવર્ડનું મહત્વ વગેરે વિષયો પર પ્રેઝન્ટેશન અને વાસ્તવિક ઉદાહરણો સાથે રોચક અને ઉપયોગી માહિતી પૂરી પાડી હતી.
કાર્યક્રમ દરમિયાન ઓનલાઇન બેન્કિંગ ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટ એન્ડ ટ્રેડિંગ ફ્રોડ, ગુગલ સર્ચ ફ્રોડ, ન્યૂડ વીડિયો કોલ, ફોરેન પાર્સલ ફ્રોડ, APK ફાઇલ સ્કેમ, ATM સ્કેમિંગ અને ઓનલાઇન ગેમિંગ જેવા વિવિધ સાયબર ગુનાઓ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડિજિટલ સિક્યુરિટી સેટિંગ્સ કેવી રીતે કરવા અને સાયબર ફ્રોડ થાય ત્યારે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ (1930) નો ત્વરિત ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેનું ઉત્કૃષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ લોકજાગૃતિ સેમિનારમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી, કોલેજના પ્રિન્સિપાલ, પ્રોફેસરો તેમજ ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને અત્યંત ઉપયોગી અને માહિતીસભર ગણાવીને બિરદાવ્યો હતો.








