તા.૦૬.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના વોર્ડ નં. ૪ માં ‘નવજીવન ઉદ્યાન ગાર્ડન’ બન્યું બિસ્માર, નેતાઓના ઘરઆંગણે જ જનતા પરેશાન
દાહોદ નગરપાલિકાના ઉપ-પ્રમુખ અને પાણી સમિતિના ચેરમેન જે વોર્ડમાંથી ચૂંટાઈને આવે છે, તે જ વોર્ડ નંબર-૪ ના ગોવિંદ નગર વિસ્તારમાં આવેલું ‘નવજીવન ઉદ્યાન ગાર્ડન’ આજે ભારે દુર્દશાનો ભોગ બન્યું છે. વિકાસની મોટી-મોટી વાતો વચ્ચે સત્તાધીશોના પોતાના જ ઘરઆંગણાના આ ગાર્ડનની કયામત જોઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોના ટેક્સના પૈસાથી બનેલી આ જાહેર સુવિધા આજે વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે સાવ ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ છે.ગાર્ડનની વર્તમાન સ્થિતિ અત્યંત દયનીય છે બાળકોની સુરક્ષા જોખમમાં: બાળકો માટે રમવાના સાધનો કાં તો ગાયબ થઈ ગયા છે અથવા તો તૂટીને સાવ ભંગાર થઈ ગયા છે, જે રમત-ગમત દરમિયાન માસૂમ બાળકો માટે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.બેસવાની વ્યવસ્થા ઠપ્પ: વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે ગાર્ડનમાં બેસવાની કોઈ યોગ્ય સુવિધા નથી. જે બાંકડા મૂકવામાં આવ્યા છે, તે પણ સમયસરની જાળવણીના અભાવે તૂટી ગયા છે અને બેસવા લાયક રહ્યા નથી.કોંગ્રેસના નગરસેવકોએ આક્રમક વલણ અપનાવ્યું આ ગંભીર લોક-સમસ્યાને ધ્યાને લઈને હવે વિપક્ષ પણ મેદાને આવ્યો છે. કોંગ્રેસના નગરસેવકોએ તંત્ર સામે ઉગ્ર માંગણી કરી છે કે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર તાત્કાલિક ધોરણે આ ‘નવજીવન ઉદ્યાન ગાર્ડન’ની રૂબરૂ મુલાકાત લે. સ્થાનિક રહીશો અને બાળકોના હિતમાં ગાર્ડનનું નવેસરથી બ્યુટીફિકેશન (કાયાપલટ) કરી તેનો યોગ્ય વિકાસ કરવામાં આવે તેવી લોકમાંગ બુલંદ બની છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ બાબતે ક્યારે સફાળું જાગે છે








