તા.૦૬.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં વનરક્ષક અને વનપાલ કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ આંદોલનની ચીમકી
દાહોદ જિલ્લામાં ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા વનરક્ષક તથા વનપાલ સંવર્ગના કર્મચારીઓના લાંબા સમયથી પડતર વિવિધ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે.આ અંગે દાહોદ જિલ્લા યુનિટ દ્વારા નાયબ વન સંરક્ષકને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં કર્મચારીઓના હિત અને રાજ્યના વન, વન્યજીવ તથા પર્યાવરણના સંરક્ષણને ધ્યાનમાં રાખીને સરકાર સમક્ષ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.રજૂઆત મુજબ વનરક્ષક કર્મચારીઓ રાજ્યના વન અને વન્યજીવ સંરક્ષણની કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રતિકૂળ વાતાવરણ, અંતરિયાળ વિસ્તારો અને સંવેદનશીલ સ્થળોએ સતત ફરજ બજાવતા કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે.પત્રમાં જણાવ્યા મુજબ મુખ્યમંત્રી કાર્યાલય સહિત સંબંધિત વિભાગોમાં અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી છે અને 4500થી વધુ અરજીઓ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે.હવે લાંબા સમયથી પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો કર્મચારીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.વનરક્ષક અને વનપાલ કર્મચારીઓના પ્રશ્નોનું સરકાર દ્વારા વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે છે કે કેમ, તેના પર હવે સૌની નજર રહેશે.









