ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રૂ.૪૦૦ લાખના ખર્ચે નિર્મિત થનાર વાંકીયા-ખંભાલિડા રોડનું ખાતમુહૂર્ત કરાયું

જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા.૦૬, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલા વાંકીયા થી ખંભાલિડા માર્ગની સપાટી સુધારણા અને નવીનીકરણની કામગીરીનું ધારાસભ્ય શ્રી રાઘવજી પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વાંકીયા થી ખંભાલિડા રોડ એ ૭.૦ કિલોમીટરની લંબાઈ ધરાવતો અત્યંત મહત્વનો રસ્તો છે. આ રસ્તો ખંભાલિડા અને વાંકીયા ગામને જોડવાની સાથે તાલુકા મુખ્ય મથકે જવા માટે પણ મુખ્ય માર્ગ પૂરો પાડે છે. લાંબા સમયથી આ રસ્તાની સપાટી અતિશય ખરાબ થઈ ગઈ હોવાથી ગ્રામજનો તથા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
રસ્તાની સપાટી સુધારણા અને નવીનીકરણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૪૦૦.૦૦ લાખ રકમનો જોબ નંબર મંજૂર કરવામાં આવ્યો છે. આ કામગીરી હેઠળ ડામર કામ, ૮૭૦ મીટર સી.સી. રોડ, પ્રોટેક્શન વોલ, ક્રેશ બેરિયર તેમજ રોડ ફર્નિચર વગેરે જેવી જરૂરી કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પંચાયત માર્ગ અને મકાન વિભાગ, જામનગરના કાર્યપાલક ઈજનેર શ્રી કે.બી. છૈયા તથા નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી આર.આર. મુલિયાણા દ્વારા આ કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે અને ઝડપથી પૂર્ણ થાય તેવું આયોજન કરાયું છે. આ રસ્તાનું કામ પૂર્ણ થતાં જ ખંભાલીડા અને વાંકીયા ગામના લોકો તેમજ ધ્રોલ તરફ આવતા-જતા તમામ વાહનચાલકોને આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે.










