વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
જલાલપોર પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો, બિલ્ડર સહિત પાંચને વોન્ટેડ જાહેર કર્યા
નવસારી: જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એરુ ગામમાં મૃત જમીનમાલિકના નામે બોગસ જનરલ પાવર ઓફ એટર્ની બનાવી ખોટા દસ્તાવેજોના આધારે જમીન સંબંધિત વ્યવહારો કરી ઠગાઈ આચરવાના કેસમાં જલાલપોર પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યારે બિલ્ડર સહિત અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ પ્રેસનોટ મુજબ એરુ ગામની વિવિધ સર્વે નંબરોની જમીનના મૂળ માલિક ચીમનલાલ કરશનજી દેસાઈનું 11 ઓગસ્ટ 1999ના રોજ અવસાન થયું હતું. તેમ છતાં આરોપીઓએ તેમના નામે 16 જૂન 2005ના રોજ ખોટો જનરલ પાવર ઓફ એટર્ની (મુખત્યારનામું) તૈયાર કર્યો હોવાનો આક્ષેપ છે. આ પાવરના આધારે સંબંધિત કચેરીઓમાં ખોટી માહિતી રજૂ કરી જમીનના દસ્તાવેજો કરાવી લેવામાં આવ્યા હતા.
આ મામલે ફરિયાદી કૌશિકકુમાર જયંતીલાલ દેસાઈની ફરિયાદના આધારે જલાલપોર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11822015261165/2026 હેઠળ ઈ.પી.કો.ની કલમ 420, 465, 467, 468, 469, 471, 114, 120(બી), 34 અને 177 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે આ ગુનામાં સંડોવાયેલા હોવાનું જણાવાયેલા મુકેશ મનસુખભાઈ રણછોડભાઈ મેંદપરા, રહે. સહજાનંદ રેસિડેન્સી, સુરતને ઝડપી પાડ્યો છે. જ્યારે ઉકાભાઈ રામભાઈ વાળા, નાનજીભાઈ વલ્લભભાઈ વઘાસિયા, એમ.એસ.પી. સિંદે, મહેશ જયંતીભાઈ સાંગાણી અને રમેશભાઈ રવજીભાઈ ભીમાણી સહિતના આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તપાસમાં અન્ય આરોપીઓના નામ બહાર આવે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપી સામે સુરત શહેરના અઠવાલાઈન્સ, સરથાણા અને ડુમસ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ છેતરપિંડી તથા બનાવટી દસ્તાવેજો સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે. આ કામગીરી જલાલપોર પોલીસ ઈન્સ્પેક્ટર એલ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. કેસની વધુ તપાસ ચાલુ છે








